<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

આટકોટની કે.ડી.પરવાડીયા હોસ્‍પિટલમાં ૧૫૦ સીટની મેડિકલ કોલેજની મંજૂરી

પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો.ભરત બોઘરા દ્વારા સંચાલિત હોસ્‍પિટલમાં મંજૂરી મળતા પંથકમાં આરોગ્‍ય ક્ષેત્ર સુવિધામાં વધારો થશેઃ કોલેજ બિલ્‍ડીંગ હોસ્‍ટેલ સહિતની સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે

આટકોટઃ પ્રથમ તસવીર આટકોટની કે.ડી.પી. હોસ્‍પિટલની છે જ્‍યારે બાકીની તસવીરમાં મેડિકલ કોલેજ માટે ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સહિત જે કંઈ સુવિધાઓની જરૂરિયાત છે તે સંપૂર્ણપણે ઊભી કરી દેવામાં આવી છે. (તસવીર વિજય વસાણી આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૯: જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા જેને ખુલ્લી મુકવામાં આવી હતી તે કે.ડી. પરવાડીયા હોસ્‍પિટલમાં ૧૫૦ સીટની મેડિકલ કોલેજને મંજૂરી મળતા પંથકમાં ખુશી છવાઈ ગઈ છે.

પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ અને જસદણના પૂર્વ ધારાસભ્‍ય ડો.ભરતભાઈ બોઘરા દ્વારા સંચાલિત માતળશ્રી કાશીબેન દામજીભાઈ પરવાડીયા (કે.ડી.પી.) હોસ્‍પિટલમાં ગઈકાલે મેડિકલ કોલેજની મંજૂરી મળતા આ પંથકના લોકોને આગામી દિવસોમાં હવે સારવાર માટે દૂર નહીં જવુ પડે અને સ્‍થાનિક લોકોને ઉચ્‍ચ કક્ષાની તબીબી સુવિધાઓ હવે પોતાના ઘર આંગણે જ મળી રહેશે નાની મોટી સારવાર તેમને ધર આંગણે જ મળી રહેશે.

મેડિકલ કોલેજ શરૂ થવાથી માત્ર આરોગ્‍ય સેવાઓ જ નહીં, પરંતુ આ પંથકમાં શિક્ષણ અને રોજગારીની નવી તકો પણ ભી થશે.

આ સફળતા પાછળ ડોક્‍ટર ભરતભાઈ બોધરાના સતત પ્રયાસો અને તેમની દ્રષ્ટિથી આ પંથકમાં વિકાસના નવા દ્વારા ખુલ્‍યા છે.

આ કોલેજ માતળશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોઘરા મેડિકલ કોલેજ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર આટકોટના નામથી શરૂ થશે ઉલ્લેખની છે કે ડો.ભરતભાઈ બોઘરા દ્વારા તેમના માતળશ્રીના નામથી જ નવી મેડિકલ કોલેજ ચાલુ કરશે.

આટકોટની પરવાડીયા હોસ્‍પિટલ અનેક દર્દીઓ માટે રાહતરૂપ

 (હુસામુદીન કપાસી-હિતેષ ગોસાઇ દ્વારા) જસદણ,તા.૯: જસદણના આટકોટમાં આવેલ વિખ્‍યાત મલ્‍ટી સ્‍પેશિયાલિટી કે ડી પરવાડિયા હોસ્‍પિટલને સરકાર દ્વારા મેડીકલ કોલેજની મંજુરી આપવામાં આવતા આખરે આ હોસ્‍પિટલના સેવાભાવી મે.ટ્રસ્‍ટી ડો. ભરતભાઈ બોધરાની મહેનત રંગ લાવતા ટ્રસ્‍ટીઓ અને નાગરિકોમાં ખુશી છવાઈ ગઈ હતી જસદણ વિધાનસભામાં ભાજપનો પાયો નાખનાર પુર્વ ધારાસભ્‍ય અને ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોધરાની સૂઝબૂઝથી ત્રણ વર્ષ પહેલાં આ હોસ્‍પિટલ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્‍યું હતું અને જેનું ઉદઘાટન દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કરેલ ત્‍યારબાદ આ હોસ્‍પિટલમાં લાખો દર્દીઓએ મુલાકાત લઈ રાહત અનુભવી હતી.

 હાલ પણ સૌરાષ્‍ટ્રના ગામેગામમાંથી દર્દીઓ રાહત દરે પોતાના દર્દનું નિદાન અને સારવાર મેળવી રહ્યાં છે ત્‍યારે આજે આ હોસ્‍પિટલમાં ૧૫૦ સીટની મેડિકલ કોલેજની સત્તાવાર મંજુરી મળી જતાં આજે અનેક આગેવાનોએ હરખ વ્‍યક્‍ત કર્યો હતો અત્રે નોંધનીય છે કે ઈસ્‍વીસન ૨૦૦૯માં ડો. ભરતભાઈ બોઘરા જસદણ મત વિસ્‍તારના ભાજપના પ્રથમ ધારાસભ્‍ય બન્‍યા ત્‍યારે અબજો રૂપિયાના વિકાસના કામો કર્યા હતા. 

(11:24 AM IST)