<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

સતત ચોથે વર્ષે ભુજનું હમીરસર તળાવ ઓગન્‍યુઃ આજે ભુજ પાલિકા પ્રમુખ દ્વારા વાજતે ગાજતે વધામણા

ભુજના હમીરસર તળાવના આજે વધામણાં: રાજ્‍યમાં તળાવ માટેની ખાસ રજા અને વધામણાં સાથે મેઘલાડુના જમણવારનો રસપ્રદ ઈતિહાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯: ડીપ ડિપ્રેશન કચ્‍છના પાટનગર ભુજ માટે પણ શુકનવંતુ સાબિત થયું છે અને ૬ ઇંચ વરસાદ થકી હમીરસર તળાવ ઓગનાયું છે. ગઈકાલે સાંજે ૬.૧૬ વાગ્‍યે હમીરસર તળાવ ઓગનાયુ હોવાની માહિતી ભુજ પાલિકા ઉપપ્રમુખ ઘનશ્‍યામ સી. ઠક્કરે અકિલા ને આપી હતી. આજે ભુજ નગર પાલિકા પ્રમુખ રશ્‍મિબેન સોલંકી વાજતેગાજતે શાષોક્‍ત વિધિવિધાન સાથે હમીરસર તળાવને વધાવશે. પ્રથમ જ વાર સતત ૪ થે વર્ષે હમીરસર તળાવ છલકાઇ ગયું હોય એ રેકર્ડ બ્રેક ઐતિહાસિક ઘટના છે. ઐતિહાસિક ઘટનાની વાત સાથે હમીરસર તળાવ સાથે સંકળાયેલો રસપ્રદ ઇતિહાસ પણ જાણી લઈએ. પોણા પાંચસો વર્ષની આઝાદીની પરંપરા અનુસાર ભુજનું હમીરસર તળાવ જ્‍યારે છલકાય ત્‍યારે રાજાશાહીના સમયમાં તેને કચ્‍છના રાજવી દ્વારા જ વધાવવામાં આવતું હતું. કચ્‍છ રણ પ્રદેશ સાથે સૂકો મુલક હોવાથી સારા વરસાદ સાથે તળાવમાં નવા પાણીની આવ અને તળાવ છલકાઈ જવાની ઘટનાને શુકનવંતી માની જળદેવતાના વધામણા કરવામાં આવતા રાજાશાહીની આ પરંપરા આજે પણ સમગ્ર કચ્‍છમાં જળવાઈ રહી છે. ભારત આઝાદ થયું રાજશાહી પૂર્ણ થઈ અને લોકશાહી આવી ત્‍યારથી શહેરના પ્રથમ નાગરિક તરીકે ભુજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા હમીરસર તળાવ વધાવવાની પરંપરા શરૂ થઈ. જોકે, સમગ્ર રાજ્‍યમાં ભુજ એક માત્ર એવું શહેર છે કે જ્‍યાં તળાવ ઓગનાઈ જાય તે દિવસે ખાસ જાહેર રજા ડિક્‍લેર કરવામાં આવે છે. એટલું જ નહીં પણ નગરજનો માટે પાલિકાના પ્રમુખ મેઘરાજાને વધાવી ખાસ મેઘ લાડુ ના જમણવાર નું આયોજન કરે છે. જોકે, સરકારની ખાસ રજા અને મેઘ લાડુનું જમણ ૧૯૭૦ થી શરૂ થયું છે. એ સમયે ભુજના નગરપતિ તરીકે સ્‍વ. કિશોરચંદ્ર બૂચ એડવોકેટ હતા. ત્‍યારે કચ્‍છના દિગ્‍ગજ નેતા સ્‍વ. પ્રેમજી ભવાનજી ઠક્કર રાજ્‍યના મહેસૂલ મંત્રી હતા. ત્‍યારે રાજ્‍ય સરકાર દ્વારા કચ્‍છી માડુઓ ની લાગણી ધ્‍યાને લઈ જળોત્‍સવ માટે ઠરાવ કરી કલેક્‍ટર દ્વારા ખાસ રજા જાહેર કરવાની પરવાનગી આપી. ત્‍યારથી જાહેર રજા કલેક્‍ટર દ્વારા ડિક્‍લેર કરાય છે. જાહેર રજા અને જળોત્‍સવ ના વધામણા માટે મેઘલાડુના જમણવારની પરંપરા પણ ૧૯૭૦ માં તત્‍કાલીન નગરપતિ સ્‍વ. કિશોરચન્‍દ્ર બૂચના સમયથી શરૂ થઈ. જળોત્‍સવ ની ઉજવણીના વધામણા માટેના જમણવાર ને મેઘ લાડુ નું નામ મૃદુલાબેન કિશોરચંદ્ર બૂચ દ્વારા અપાયું હતું. હમીરસર તળાવ માત્ર ભુજ વાસીઓનું જ નહીં પણ સમગ્ર કચ્‍છવાસીઓ અને દેશ વિદેશમાં વસતા કચ્‍છી માડુ ઓના હૃદયનો ધબકાર છે

(3:32 PM IST)