<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

મેઈન ડ્રેનેજ લાઈનમાં છેડછાડ થવાના કારણે મોરબીના રણછોડનગરમાં અનેક ઘરોમાં પાણી ભરાયા

કમિશનર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા, ખેતરોમાં ગેરકાયદે સ્ટ્રક્ચર બનાવનાર સામે થશે ફરિયાદ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા રણછોડનગર વિસ્તારમાં વરસાદ રહી ગયા બાદ પણ વરસાદના પાણી ભરાયેલા છે. પાણી ન ઓસરતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના પાણી ઘરમાં પણ ભરાય ગયા છે. છેલ્લા પાંચ દિવસથી ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. રણછોડનગર વિસ્તારમાં આશરે 400 જેટલા ઘરો છે જેમાંથી 100 જેટલા ઘરોમાં પાણી ભરાય ગયા છે. અમુક ઘરોમાંથી ઢીંચણસમા પાણી ભરાયેલા છે. જેના કારણે 40 જેટલા પરિવારજનો સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા છે.

   આ અંગે મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવતા મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરે, ડેપ્યુટી કમિશનર, પાણી પુરવઠા બોર્ડના અધિકાર, ભુગર્ભ વિભાગના અધિકારીઓ સહિતની ટીમો દોડી ગઈ હતી. જ્યાં અધિકારીઓએ પાણીનો નિકાલ બંધ છે તે પાણીનો નિકાલ ક્યાથી કરવો તેના પ્રયત્ન કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે રણછોડનગરથી આગળ કેદારિયા હનુમાન મંદિર આવેલું છે અને કેદારિયા હનુમાન મંદિર આગળ વાડી વિસ્તાર આવે છે. આ વાડી વિસ્તારમાં આવેલી કુંડીઓમાં પાણી ન ભરાય તે માટે લોકોએ કુંડીઓ બ્લોક કરી દીધી છે. જેથી કમિશનર આ સ્થળ પર દોડી ગયા હતા અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા સાથે જ આમ કરનાર લોકો સામે ફરિયાદ કરવા સહિતની સૂચના કમિશનર દ્વારા આપવામાં આવી હતી. હાલ રણછોડનગરમાં પાણીનો નિકાલ થાય તે માટે જેટિંગ મશીન અને બકેટ વાહન દ્વારા ઝડપથી પાણીનો નિકાલ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

(10:53 PM IST)