News of Wednesday, 10th September 2025
ધ્રોલના લતીપુર-સગાડીયા-વાગુદડના બિસ્માર રસ્તાથી અડધો લાખ લોકો હેરાન
જામનગર જીલ્લા બાંધકામ સમિતીના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, પદુભા જાડેજા, સરપંચ સહિતનાની મેઘજીભાઈ ચાવડાને રજૂઆત

(મહેન્દ્ર અણદાણી દ્વારા) લતીપુર, તા.૧૦: લતીપુરથી સગાડિયા ગામ તથા લતીપુરથી વાગુદળ ગામ જવાના રસ્તા વરસાદના કારણે દર વર્ષે ધોવાઈ જતા ભયંકર હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે આ રસ્તાનો ઉપયોગ કરતા સાત જેટલા ગામના સરપંચો અને નાગરિકોએ છ વર્ષ પહેલા સગાડીયા ગામે એકઠા થઈ અને સાંસદ પુનમબેન માડમને પણ નોન પ્લાંન અંતર્ગત આ બને રોડ બનાવી આપવા આવેદન આપવામાં આવેલ અને પોતાની આપવીતી જણાવેલ.
વરસાદના કારણે આ રસ્તાઓ ધોવાઈ જતા લતીપુર ખાતે તબીબી સારવાર માટે આવવામાં દર્દીઓને ભયાનક યાતનાઓનો સામનો કરવો પડે છે કારણ કે આ રસ્તાઓ કાદવ ખીચડથી ભરેલા હોય છે.
સાંસદ શ્રીને રજૂઆત કરતા તેઓએ ખાતરી આપેલ કે આ બંને રસ્તાઓ હું રૂબરૂ ગાંધીનગર જઈને મંજુર કરાવી આપીશ અને તેઓએ તે અંગે કાર્યવાહી કરતા માર્ગ મકાનના વિભાગના ઇજનેરોએ બંને રસ્તાના માપ તાલ, સર્વે કરી અને એસ્ટીમેન્ટ પણ આપી દીધેલ છે, પરંતુ આ છ વર્ષ થયા છતાં આ બન્ને રસ્તાની આગળની કોઈપણ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી.
આ અંગે જામનગર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી પ્રવિણાબેન ચભાડિયા તથા સગાડીયાનાં સરપંચ અને આગેવાન શ્રી પદુભા જાડેજાએ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાને ધારદાર રજૂઆતો કરતા ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રીને પત્ર લખી આ બંને રસ્તાઓના કામ તાત્કાલિક કરાવવા માટે ભલામણ કરી છે.
તેમ છતાં હજી પણ આ રોડની કામગીરી નહીં કરવામાં આવે તો લતીપુર, સગાડીયા વાગુદડ, ધરમપુર, ખજૂરડી વગેરે ગામના લોકો આંદોલનનો માર્ગ અખત્યાર કરશે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
