News of Thursday, 11th September 2025
કચ્છના કોડાય ગામ પાસે પોલીસે પીછો કરી ૪૦ લાખના દારૂ સાથેની ટ્રક ઝડપી
બે કુખ્યાત બુટલેગરો યુવરાજસિંહ વજુભા જાડેજા અને જીતુભા મંગળસિંહ સોઢાએ પંજાબથી મંગાવેલ લાખોનો દારૂ ઝડપવામાં પોલીસ સફળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૧ :.. સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ તેમ જ કચ્છ પોલીસ દ્વારા અવારનવાર દારૂના કેસમાં ઝડપાયેલ રાજ્યમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત બુટલેગરો યુવરાજસિંહ વજુભા જાડેજા અને જીતુભા મંગળસિંહ સોઢાએ મંગાવેલ ૪૦.૭૮ લાખનો દારૂ કોડાય પોલીસે ઝડપ્યો છે.
પૂર્વ બાતમીના આધારે પીઆઈ બી.પી. ખરાડી અને પોલીસ સ્ટાફે રાત્રે મુન્દ્રાથી માંડવી આવી રહેલ ટ્રકને ચેકપોસ્ટ પાસે રોકતા ટ્રક ચાલકે ટ્રક પૂરપાટ ભગાવી હતી. જોકે, પોલીસે તુરત જ પીછો પકડી ટ્રકને રોકી હતી. ટ્રકમાંથી પોલીસે ૭૬૬૮ દારૂ બોટલ તેમ જ ૫૭૧૨ બિયર ટીન મળી ૪૦ લાખ ૭૮ હજારનો જથ્થો જપ્ત કર્યો હતો.
ટ્રક ચાલકો નવુભા ખેતુભા જાડેજા (ખોંભડી નાની, કચ્છ) અને આઇદાનસિંહ રાઠોડ (જેસલમેર, રાજસ્થાન)ની અટક કરી પૂછપરછ કરી હતી. તેમણે આ જથ્થો ત્રગડી માંડવીના યુવરાજસિંહ વજુભા જાડેજા અને ખાનાય અબડાસાના જીતુભા ઉર્ફે જીતિયો મંગલસિંહ સોઢાનો હોવાનું જણાવ્યું હતું.
કોડાય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો પંજાબ બાજુથી આવ્યો હોવાનું ખુલ્યું છે. (પ-૬)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
