<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

આટકોટમાં હાઇસ્‍કૂલે જવા માટે નીકળેલ ધો. ૧૦ની છાત્રા લાપતા

પરિવારે શાળાએ જઇ તપાસ કરતા સગીરા સ્‍કુલે ગઇ જ ન હોવાનું ખુલ્‍યું: પોલીસે અપહરણનો ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ૧૧: આટકોટમાં પંથકના આઘેડની ૧૫ વર્ષની દીકરી ઘરેથી સ્‍કૂલે જવા માટે નિકળ્‍યા બાદ ઘરે પરત ફરી ન હતી. શાળાએ જઈ તપાસ કરતા તે સ્‍કૂલે ગઈ જ ન હોવાનું માલુમ પડયું હતું. જેથી તેની શોધખોળ કરતા કોઈ પતો ન લાગતા સગીરાના પિતાએ આટકોટ પોલીસમાં જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, આટકોટ પંથકના આધેડે આટકોટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું હતું કે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્ર છે. પુત્રી ૧૫ વર્ષની છે જે ધો. ૧૦ માં અભ્‍યાસ કરે છે જયારે પુત્રી ધો.૯ માં અભ્‍યાસ કરે છે. બંને સાથે શાળાએ જાય છે. ગઇકાલે સવારે બંને શાળાએ ગયા બાદ દીકરી ઘરે પરત ન ફરતા આધેડે પુત્રને પુછતા તેણે કહ્યું હતું કે, બહેન સવારે સ્‍કૂલે જતા હતા ત્‍યારે શાળાની સામે સ્‍ટેશનરીએ કંઇક લેવા માટે ઉતરી હતી. બાદમાં સ્‍કૂલમાં જઈ તપાસ કરતા આજે તે શાળાએ જ ન આવી હોવાનું માલુમ પડયું હતું. જેથી દીકરીની સગા સંબંધીમાં તપાસ કર્યા બાદ તેના કોઈ સગડ ન મળતા અંતે દીકરી લાપતા થયા અંગે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ માટે સીસીટીવી કેમેરા મારફત તપાસ હાથ ધરી પણ એસટી બસ સ્‍ટેશનમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસ નાં હાથ હેઠા પડ્‍યા હતા બનાવ અંગે વધુ તપાસ પીઆઈ આર.એસ.સાંકળીયા ચલાવી રહ્યા છે. (૭.૧૮)

(1:32 PM IST)