News of Friday, 12th September 2025
જૂનાગઢ છાત્રને મારવાના પ્રકરણમાં હોસ્ટેલના માલીક-સંચાલક સામે કાર્યવાહી
આલ્ફા ઇન્ટરનેશનલ સ્કુલની હોસ્ટેલમાં ઘટનાના તપાસ રિપોર્ટ બાદ કલેકટરના હુકમના પગલે પગલા લેવાનું શરૂ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૨: જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર માર્યાની ઘટનાનો તપાસ રિપોર્ટ આવતા અને કલેકટરના આદેશના પગલે હોસ્ટેલના માલિક અને સંચાલક સામે પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
જૂનાગઢમાં મધુરમ બાયપાસ પર આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા ઉપલેટાના વિદ્યાર્થીને પાંચ વિદ્યાર્થીએ માર માર્યો હતો. જેનો વિડીયો વાયરલ થયા હતા જે બાદ વિદ્યાર્થીના વાલીએ અરજી કરતાં પોલીસે પાંચ વિદ્યાર્થીઓ સામે જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
આ મામલે તપાસ કમિટીની રચના કરી હતી. તેનો રિપોર્ટ ગઈકાલે કલેકટર અનિલ રાણાવાસીયા અને એસપી સુબોધ ઓડેદરાએ જાહેર કર્યો હતો. જેમાં રહેણાક હેતુ માટેની જમીનમાં હોસ્ટેલનું બિલ્ડીંગ ધમધમી રહ્યું હોવાનો , ફાયર એનઓસી, નિયમ મુજબ સીસીટીવી કેમેરા, ર્પાકિંગ ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
આથી કલેક્ટરે જવાબદારો સામે કાર્યવાહી કરવાનો આદેશ કરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને ગઈકાલે સી ડિવિઝનના પીઆઇ વી. જે. સાવજે ફરિયાદી બની હોસ્ટેલના સંચાલક મૂળ અમરાપુરના અને હાલ જુનાગઢ રહેતા રાજા દાના ઝાલા વિરૂધ્ધ પોલીસ કે વાલીઓને ઘટનાની જાણ ન કરી બેદરકારી દાખવી હોવાનો અને હોસ્ટેલ કેમ્પસમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં ૩૦ દિવસના બદલે ૧૦ દિવસનું જ બેકઅપ રાખવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
જ્યારે શાળા સંચાલક ગિરીશભાઈ પુંજાભાઈ કાઠીએ પોતાના હસ્તકની હોસ્ટેલ ૧૧ માર્કના ભાડા કરાર પર આપી હતી પરંતુ આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી ન હતી આ મામલે પણ પીઆઈ સાવજે સ્કૂલના સંચાલક ગીરીશભાઈ કાઠી સામે કલમ ૨૩૩ મુજબ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
