News of Friday, 12th September 2025
લોકોની છેતરપિંડીની કોશિશ કરતા કચ્છ માંડવીના શિરવાના યુવકને ઝડપી લેવાયો નકલી સોનાના ચાર બિસ્કીટ મળ્યા
ઈરફાનશા કાદરસા સૈયદને ઇન્સ્ટાગ્રામ પર ID બનાવી 500 અને 100 ની નોટની ગડીઓના ફોટા સોશિયલ મીડિયા પર મૂકી છેતરપિંડી કરતો : 100ની નોટના 6 બંડલ મળી કુલ 1.60 લાખ કબ્જે

અમદાવાદ :ઇન્સ્ટાગ્રામ પર ID બનાવી તેમાં ભારતીય ચલણની 500 તથા 100ની નોટના ગડીઓના ફોટા-વિડીયો અપલોડ કરી લોકોને લાલચ આપી છેતરપિંડીની કોશિશ કરતા માંડવી તાલુકાના શિરવા ગામના યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો તેના ઘરે તપાસ કરતા નકલી સોનાના ચાર બિસ્કીટ પણ મળી આવ્યા હતા.
એલસીબી દ્વારા બાતમીના આધારે માંડવી તાલુકાના શીરવા ગામે રહેતા ઈરફાનશા કાદરસા સૈયદને તેના ઘર પાસે રોકી મોબાઈલ તપાસતા તેમાં ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં વિડિયો અપલોડ કરેલા હતા અને વોટ્સએપમાં અલગ અલગ મોબાઈલ નંબર પર આ વિડીયો શેર કરવામાં આવ્યા હતા તેણે જણાવ્યું કે તે ભારતીય ચલણની 500 અને 100 ની નોટની ગડીઓના ફોટા સોશિયલ મીડિયા પર મૂકી છેતરપિંડી કરી રૂપિયા પડાવે છે. મોબાઇલની ડીકીમાંથી 500ના દરની નોટના એક લાખ રૂપિયા અને તેના ઘરે તપાસ કરતા 100ની નોટના 6 બંડલ મળી કુલ 1.60 લાખ કબ્જે કરવામાં આવ્યા હતા.
ઘરે તપાસ કરતા ચોરસપીળા કલરની ધાતુના શંકાસ્પદ સોનાના 4 બિસ્કીટ મળી આવ્યા હતા એ બાબતે પૂછપરછ કરતા જણાવ્યું કે આ સોનાના બિસ્કીટ જેવા લાગતા નકલી બિસ્કિટ છે જે તેના પિતા કાદરશા લતીફશા સૈયદએ ભુજના રહીમનગરમાં રહેતા અબ્દુલકાદર રમજાન સોઢા પાસેથી ઠગાઈ કરવાના ઇરાદે મેળવ્યા હોવાની કબૂલાત આપી હતી જેથી ઈરફાનશાને ઝડપી રોકડ, નકલી બિસ્કિટ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્રણેય સામે માંડવી પોલીસમા એલસીબી દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. એલસીબી દ્વારા ભુજમાં રહેતા અબ્દુલકાદર સોઢાને પણ ઝડપી લેવાયો છે તેની પાસેથી નકલી સોનાના 10 બિસ્કીટ કબજે કરાયા હતા.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
