<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

અમરેલીના રાજુલા, ખાંભા, ધારી અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ

લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ:ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે

અમરેલી, તા.૧૨

લાંબા વિરામ બાદ ફરી એક વખત અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  રાજુલા, ખાંભા,  ધારી ગીર અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

  રાજુલા શહેરમાં ભારે વરસાદને લઈ બજારમાંથી પાણી વહેતા થયા છે.  ખાંભાના ડેડાણ, માલકનેશ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. ડેડાણ ગામની બજારમાં નદીની માફક વહેતા થયા પાણી. કાંગસા, સુખપુર, ગોવિંદપુર સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. રાજુલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે.

ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સારા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખૂશખૂશાલ થયા છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

રાજુલા, ખાંભા,  ધારી બાદ જાફરાબાદ પંથકમાં ઘોઘમાર વરસાદ શરૃ થયો છે.  જાફરાબાદના લોર,  ફાચરીયા,  કાગવદર,  પાટી,  માણસા સહીતના ગામમાં ઘોઘમાર વરસાદ શરૃ થયો છે.  થોડા દીવસોના વિરામ બાદ વરસાદ શરૃ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના તમામ જિલ્લામાં આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બે દિવસથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે ૧૪થી ૧૬ સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ૧૪ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની શરૃઆત થઇ શકે છે. જો કે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તૂટી પડે તેવી શક્યતા છે. વલસાડ, તાપી, નવસારી, સુરત સહિત સૌરાષ્ટ્રના વિસ્તાર પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદ વરસી શકે છે.

(10:57 PM IST)