News of Saturday, 13th September 2025
કંડલા-મુંબઈ ફલાઇટનું મુંબઇ એરપોર્ટ ઉપર ઇમર્જન્સી લેન્ડીંગઃ ક્રૂ સહિત ૭૮ પ્રવાસીઓના જીવ અદ્ધર : જુઓ વિડિઓ
રન વે ઉપર ઉડાન ભરતી વખતે પાછલું વ્હીલ નીકળી ગયું આગળના ટાયરોના આધારે વિમાન ઉતર્યું, ૭૦ મિનિટ સુધી વિમાનમાં પ્રવાસીઓ ઉચાટમાં: લેન્ડિંગ સમયે માથું નીચું રાખી હાથ ઊંચા રાખવા પાયલોટની સૂચના

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૩: ગઈકાલે બપોરે ૨.૩૮ વાગ્યે કચ્છના કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરનાર સ્પાઇસ જેટની એસજી ૨૯૦૭ ની ફલાઈટમાં ટેક્રિકલ ખામી સર્જાતા વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત સવાર ૭૮ જણાના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ વિમાનનું કંડલા થી ઉડાન ભરતી વખતે પાછળનું વ્હીલ રન વે ઉપર નીકળી ગયું હતું. આ ઘટનાનો વિમાનના એક પ્રવાસી દ્વારા લેવાયેલ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
સાંજે ૩.૫૧ વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉપર પહોચ્યું હતું. જ્યાં એરપોર્ટ ઉપર આપાતકાલીન સ્થિતિ ઘોષિત કરાઈ હતી. માત્ર આગળના ટાયરોના સહારે વિમાનને મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરાણ કરવાની ફરજ પડી હતી. પાછળનું વ્હીલ નીકળી જતા મુંબઈમાં લેંડિગ વખતે કટોકટી સર્જાય તેવી સ્થિતિ બની હતી પરંતુ પાયલોટ દ્વારા લેન્ડિંગ સમયે પ્રવાસીઓને માથું નીચું રાખી હાથ ઊંચા રાખવાની સૂચના અપાઈ હતી. જોકે, પરિસ્થિતિ સંભાળીને ઇમરજન્સી વચ્ચે રન વે નંબર ૨૭ ઉપર વિમાનનું સુરક્ષિત લેંન્ડિગ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર મામલે વિમાન ઉડ્ડયન પહેલા ઉડવા માટે સુરક્ષિત હતું કે નહીં ? તેની સલામતીની ચેકિંગ માં બેદરકારી હતી? જેવા પ્રશ્નો સાથે ડીજીસીએ તપાસ કરે તો સાચું કારણ બહાર આવે. વિમાની પ્રવાસ સલામત બનાવવા માટે વિમાનોની જાળવણી તેમ જ ઉડ્ડયન પહેલાં ઉડ્ડયન માટે સજ્જ છે તે માટેનું સેફટી ચેકિંગ વધુ સુદ્રઢ બનાવવાની જરૂરત છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
