<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

કચ્‍છમાં કેનાલમાં ડૂબતી માતાને બચાવવા કૂદેલા ૩ માસૂમ સંતાનના મોત

માતાનો પગ લપસ્‍યો એ જોઈ ૧૨ વર્ષના મોટા પુત્ર અને ત્‍યારબાદ ૧૦ અને ૮ વર્ષના નાના પુત્ર કેનાલમાં કૂદયા, કાળજું કંપાવતી ઘટનાથી અરેરાટીઃ માતાનો બચાવઃ મુંદ્રા તાલુકાના ભોરારા ગામમાં અરેરાટી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩: કચ્‍છના મુન્‍દ્રા તાલુકાના ભોરારા ગામે સોઢા કેમ્‍પમાં રહેતા સુરજબા બહાદુરસિંહ સોઢા તેમના ત્રણ સંતાનો સાથે નજીક આવેલ નર્મદા કેનાલ ઉપર ફરવા ગયા હતા. જ્‍યાં અકસ્‍માતે તેમનો પગ લપસી જતા તેઓ કેનાલના પાણીના પ્રવાહમાં ડૂબવા લાગ્‍યા હતા.

માતાને ડૂબતી જોઈ બચાવવા ૧૨ વર્ષીય પુત્ર હરદેવસિંહે પાણીમાં કૂદકો માર્યો હતો ત્‍યાર બાદ ૧૦ વર્ષીય પુત્ર રવિરાજસિંહ અને ૮ વર્ષીય યુવરાજસિંહે પણ પાણીના કૂદકો માર્યો હતો. ડૂબતા ડૂબતા તમામે બૂમાબૂમ કરતા ત્‍યાંથી પસાર થતા લોકો દોડી આવ્‍યા હતા.

જોકે, માતા સુરજબા ને બચાવી લઈ તુરત જ હોસ્‍પિટલ લઈ જવાયા હતા. દરમ્‍યાન પાણીમાં ગરકાવ થયેલા ત્રણેય માસૂમ બાળકોના મૃતદેહ મળી આવતા અરેરાટી સર્જાઈ હતી.

આ કરૂણાંતિકાને પગલે સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં શોકનું મોજું ફરી વળ્‍યું છે. મુન્‍દ્રા પીઆઇ આર.જે. ઠુમ્‍મરે જણાવ્‍યું હતું કે બચાવી લેવાયેલ માતા સુરજબા સ્‍વસ્‍થ થયા બાદ આ બનાવની વધુ જાણકારી મળી શકશે. પ્રાથમિક તપાસમાં માતાને બચાવવા ત્રણેય સંતાનો કેનાલમાં કૂદી ગયા હોવાનું જણાય છે

(11:32 AM IST)