<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

નેપાળમાં હિંસા વચ્ચે સૌરાષ્ટ્રના લોકો રામનામના સહારે હેમખેમ સુરક્ષિત

નેપાળની હિંસા વચ્ચે હેમખેમ હોવાના વિડીયો પણ પરિવારજનો સુધી પહોંચાડતા પરિવારજનોની ચિંતા હળવી થઈ : 20 તારીખે પરત આવવા રવાના થશે અને 23 તારીખે રાજકોટ ખાતે પહોંચશે : પરિવારજનોએ હાશકારો અનુભવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૩ : સૌરાષ્ટ્રના દેપાળિયા થી નાથાબાપા પ્રેરિત અખંડ રામધૂન ચાલી રહી છે તે અંતર્ગત તેમના અનુયાયીઓ દ્વારા અલગ અલગ ગ્રુપ બનાવી ઠેર ઠેર રામધૂન કરવામાં આવે છે. ત્યારે બાબુભાઈ ગોપાણી દ્વારા ગ્રુપ બનાવી બાર જ્યોતિર્લિંગમાં નવ દિવસની રામધૂન કરવાના સંકલ્પ સાથે શરૂઆત કરવામાં આવી છે. સૌપ્રથમ સૌરાષ્ટ્રના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ બાદમાં બદ્રી ક્ષેત્રમાં આવેલ કેદારનાથ જ્યોતિર્લિંગમાં નવ દિવસની અખંડ રામધૂન યોજી નેપાળના કાઠમંડુ માં આવેલ પશુપતિનાથ જ્યોતિર્લિંગ ખાતે 18 દિવસની અખંડ રામધૂન સાથે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત 325 લોકો સૌરાષ્ટ્રમાંથી ભાગ લેવા માટે 7ઓગસ્ટે પહોંચ્યા છે અને નેપાળમાં 8 ઓગસ્ટથી જ સ્થાનિક સરકાર સામે અસંતોષની આગ ફાટી નીકળી હતી. અને સ્થાનિક લોકોએ ભારે હંગામા બચાવી નેપાળને બાનમાં લીધું છે. અને ત્યાંની ખડક પ્રસાદ શર્મા ઓલી સરકારે રાજીનામું આપી દીધું હતું. નેપાળમાં તમામ સોશિયલ મીડિયા અને સંચાર વ્યવસ્થા પર પ્રતિબંધ વચ્ચે ભારતથી ગયેલા લોકો ના પરિવારજનો ચિંતાતુર હતા ત્યારે જામનગરના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામના 14 થી 15 વડીલો પણ નેપાળના કાઠમંડુમાં આવેલ પશુપતિનાથ મહાદેવ નજીકની હોટેલમાં રોકાયા છે અને ત્યાંની ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ વચ્ચે તાત્કાલિક અસરથી શિવ કથા નું આયોજન કેન્સલ કરી અને અખંડ રામધૂન શરૂ રાખી છે. જેમાં જામનગર જિલ્લાના હડિયાણા ગામના વડીલો પણ ગયા હોવાનું અમારા પ્રતિનિધિ કિંજલ કારસરીયાને નેપાળ ગયેલા લોકોના પરિવારજનોએ જણાવ્યું છે.

 

જામનગરના હડિયાણા રહેતા પરિવારજનો પોતાના વડીલો નેપાળમાં ફસાયા હોવાની વાતને લઈને ચિંતાતૂર હતા. તેવામાં હવે છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગર થી ગયેલા કેટલાક યાત્રીકોએ મોબાઈલમાં રોમિંગ એક્ટિવ કરી વિડીયોકોલ મારફતે સંપર્ક કરી પોતે સુરક્ષિત હોવાનું જણાવતા પરિવારજનોના જીવ થાળે પડ્યા છે.

 

 

જામનગરના હડિયાણા ગામથી કંચનબેન ગણેશભાઈ કાનાણી, રમેશભાઈ દેવજીભાઈ કાનાણી, ચંપાબેન રમેશભાઈ કાનાણી, વસંતભાઈ માવજીભાઈ કાનાણી, ચંદ્રિકાબેન વસંતભાઈ કાનાણી, પરસોત્તમભાઈ ગોવિંદભાઈ કાનાણી, રામજીભાઈ પરસોત્તમભાઈ ગોધાણી, નરસિંહભાઈ મૂળજીભાઈ ગોધાણી, ગીતાબેન નરસિંહભાઈ ગોધાણી, દેવજીભાઈ ઓધવજીભાઈ દેલવાડીયા, જોશનાબેન દેવજીભાઈ દેલવાડીયા, હંસાબેન રવજીભાઈ કાનાણી, લાભુબેન પરસોત્તમભાઈ કાનાણી, ચંપાબેન પ્રેમજીભાઈ કાનાણી, પુષ્પાબેન પ્રાગજીભાઈ ગોધાણી સહિત 16 લોકો નેપાળની હિંસા વચ્ચે પણ રામધુન કરી રહ્યા છે અને હેમખેમ હોવાના વિડીયો પણ પરિવારજનો સુધી પહોંચાડતા પરિવારજનોની ચિંતા હળવી થઈ છે.

હાલ નેપાળના કાઠમંડુમાં તમામ લોકો હેમખેમ હોવાનું પરિવારજનોને જણાવ્યું છે અને 20 તારીખે પરત આવવા રવાના થશે અને 23 તારીખે રાજકોટ ખાતે પહોંચશે તેમ જણાવતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.

(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:41 AM IST)