News of Tuesday, 16th September 2025
પૂ. મોરારીબાપુના ગામ તલગાજરડામાંથી સ્વામિનારાયણ સંતોને વિરોધનો સામનો કરવો પડયો
અગાઉ સનાતન ધર્મ વિશે કરેલી ટિપ્પણી સામે ગ્રામજનોના શાબ્દીક ચાબખાઃ તમે કતલખાના બંધ કરાવવા જાઓ તો અમે તમારી સાથે આવીશુ... અમે કયારેય રામાયણ લઇને તમારી પાસે આવ્યા?

રાજકોટ તા.૧૬: પૂ.મોરારિબાપુના વતન તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંતોને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો. સંતો એક ‘ઘર સભા' માટે ગામમાં આવ્યા હતા, પરંતુ ગ્રામજનોએ તેમને સ્પષ્ટપણે કહ્યું કે ‘‘અમારા ગામમાં તમારે આવવાનું જ નહીં'' અને તેમને પાછા ફરવાની ફરજ પડી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં ગ્રામજનો સનાતન ધર્મને સર્વોપરી ગણાવી રહ્યા છે અને અન્ય કોઈ ધર્મના અપમાનનો વિરોધ કરી રહ્યા છે. વીડિયોમાં નજરે પડે છે કે, ગામના કેટલાક લોકો, જેમાં ગામના સરપંચ પણ સામેલ છે, સાધુઓને ગામમાં પ્રવેશ ન કરવા વિનંતી કરતા દેખાઈ રહ્યા છે.
અગાઉ સ્વામીનારાયણના સંતો દ્વારા સંનાતન ધર્મ પર કરાયેલી ટીપ્પણીઓ મુદ્દે ગ્રામજનો દ્વારા શાબ્દીક ચાબકા પણ મારવામાં આવ્યા હતા.‘‘અમે કયારેય રામાયણ લઈને તમારી પાસે આવ્યા?'' આ ઘટનાક્રમ સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને ગ્રામજનોએ આડકતરી રીતે કહ્યું કે, જેઓ સનાતન ધર્મને નીચો બતાવે છે, તેમને ગામમાં પ્રવેશ મળશે નહીં, તમારું ભાષણ અમને પસંદ નથી. ગ્રામજનોએ સાધુને કહ્યું કે, ‘‘તમે કતલખાન બંધ કરાવા જાઓ તો અમે તમારી સાથે આવીશું, અમે કયારેય રામાયણ લઈને તમારી પાસે આવ્યા?
પૂ.મોરારિબાપુના વતન તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ગ્રામજનોના વિરોધનો સામનો કરવો પડ્યો. ગ્રામજનોએ તેમને ગામમાં પ્રવેશતા અટકાવ્યા અને રોકડું પરખાવ્યું કે જેઓ સનાતન ધર્મને નીચો બતાવે છે, તેમને ગામમાં પ્રવેશ મળશે નહીં. સંતો એક ‘‘ઘર સભા'' માટે ગામમાં પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોએ તેમને અટકાવીને આખી ઘટનાનો વિડીયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિવાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ કરવામાં આવેલા કથિત નિવેદનોને કારણે ઊભો થયો છે.
મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ગ્રામજનો વચ્ચેની તંગ વાતચીતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો આશરે ૩ દિવસ જૂનો હોવાનું અનુમાન છે. સંતો એક ધાર્મિક સભા માટે ગામમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે ગામના સરપંચ સહિતના લોકોએ તેમને રોકયા હતા. ગ્રામજનોએ સંતોને સ્પષ્ટપણે કહ્યું કે, ‘‘તમારું ભાષણ અમને પસંદ નથી'' અને ‘‘અમારા ગામમાં તમારે આવવાનું જ નહીં.'' તેમણે સંતોને તેમના ભક્તોને મંદિરમાં બોલાવવાની સલાહ પણ આપી. આ વિરોધ બાદ સંતોને પાછા ફરવાની ફરજ પડી હતી.
સ્થાનિક ગ્રામજનોની મુખ્ય દલીલ એ છે કે તલગાજરડા એ સનાતન ધર્મનું ગામ છે, અને તેઓ કોઈ પણ સંપ્રદાયને પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે આવકારી શકે છે, પરંતુ તે પ્રચાર અન્ય કોઈ ધર્મને નીચો દેખાડવાના ભોગે ન થવો જોઈએ. ગ્રામજનોએ સંતો પર હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ બોલવાનો આરોપ મૂકયો, જેનાથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. ગામલોકોએ ભારપૂર્વક કહ્યું કે સનાતન ધર્મ તેમના માટે સર્વોપરી છે. આ ગામમાં મોરારિબાપુ જેવા મહાન ધર્મગુરુનું વતન હોવાથી પણ આ ઘટનાનું મહત્ત્વ વધી જાય છે. ગ્રામજનોનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિ કે સંપ્રદાયને કોઈ અન્ય ધર્મનું અપમાન કરવાનો અધિકાર નથી, અને આ કારણોસર જ તેમને ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આ ઘટના ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના અનુયાયીઓ વચ્ચેના વિવાદને સપાટી પર લાવી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
