News of Tuesday, 16th September 2025
કચ્છના ભીમાસર ગામેથી મળેલ લાશમાં ચોંકાવનારો ખુલાસો: બંગાળી શેઠને બિહારી નોકરની પત્ની સાથે પ્રેમ થતા બંને પ્રેમીઓએ આપી હતી હત્યાની સોપારી : જુઓ વિડિઓ
૬ લાખ રૂપિયામાં હત્યા કરવા સોપારી આપી, પોલીસે ૫ ની કરી ધરપકડ : અંજાર તાલુકાના ભીમાસર ગામે પરપ્રાંતીય યુવાનની ગળું કાપીને હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૬ : કચ્છના અંજાર તાલુકાના ભીમાસર ગામે એક પરપ્રાંતીય યુવાનની ગળું કાપીને હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાયો છે. બિહારી પત્નીએ જ પોતાના પતિના શેઠ એવા બંગાળી પ્રેમી સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવા માટે છ લાખ રૂપિયાની સોપારી આપી હતી. અંજાર પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓને કલાકોમાં ઝડપી પાડ્યા છે.
આ કેસની વિગતો મુજબ ગઈકાલે ૫ સપ્ટેમ્બરનાં સવારના સમયે ભીમાસર ગામ પાસે રેલવે સ્ટેશન રોડની બાજુમાં એક વ્યક્તિની ક્રૂર હત્યા કરેલી લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.
બનાવને પગલે અંજાર પીઆઈ એચ. આર. ગોહિલ અને તેમની ટીમે ઝડપી પગલાં ભરી તપાસ હાથ ધરી હતી. અહીં ભીમાસર ગામે મૂળ બંગાળના હારાધન ગરાઈની હોટેલ આવેલી છે. તેમ જ આ હોટલમાં મૃતક અરુણ કામ કરતો હતો તથા પત્ની રેખા સાથે ત્યાં જ રહેતો હતો.
હત્યાના આ બનાવ અંગે પોલીસે CCTV ફૂટેજ અને માનવસ્રોતોના આધારે ગણતરીના કલાકોમાં જ પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. હત્યામાં વપરાયેલી છરી કબ્જે લેવામાં આવી છે.
પોલીસ તપાસમાં ખૂલેલી સનસનીખેજ વિગતો મુજબ હત્યાનો ભોગ બનનાર હોટલમાં નોકરી કરતા અરૂણ શાહની પત્ની રેખાબેન અરૂણભાઈ શાહુને હત્યાની સોપારી આપનાર હોટલ માલિક હારાધન ફોનીભુશન ગરાઈ સાથે આડા સંબંધ હતા. પોલીસે આ બંને પ્રેમીઓ સાથે તેમની પાસેથી હત્યાની સોપારી લેનાર આનંદ દામજીભાઈ બારોટ અને હત્યા કરનાર આરોપી ગોપાલ રામજીભાઈ બારોટ અ દિલીપ નાથાભાઈ ભટ્ટી એમ પાંચેય ને ઝડપી લીધા છે.
મૃતક બિહારના અરૂણ શાહની પત્ની રેખાબેનના પતિ જ્યાં કામ કરતો તે હોટલના બંગાળી માલિક હારાધન ગરાઇ સાથે પ્રેમ સંબંધ હતા.આ સંબંધની જાણ પતિને થતાં, પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને દૂર કરી નાખવા માટે ષંડયત્ર રચ્યું હતું. પ્રેમી હારાધન ગરાઇએ આનંદ બારોટને સોપારી આપી હતી. અને કામ પૂરું થયા બાદ ૫ થી ૬ લાખ આપવાનો વાયદો કર્યો હતો. આનંદે ગોપાલ બારોટ અને દિલીપ ભટ્ટીને સાથે રાખી હત્યાની યોજના ઘડી અને ગુનો અંજામ આપ્યો હતો.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
