<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

ટંકારા નગરપાલિકાના કર્મચારી અને કોન્‍ટ્રાકટરની લાલિયાવાડી સામે તાલુકા ભાજપની લાલ આંખ

નબળી ગુણવતા અને અણધડ કામગીરીને પગલે સ્‍થળ પર બહબહાટી બોલાવી કામ અટકાવ્‍યું

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા  તા. ૧૭ :.. તાલુકામાં ભાજપ સંગઠનની ટીમે નગરપાલિકા ના વિકાસ કામોમાં લાલિયાવાડીની ફરિયાદોને ગંભીરતાથી લઈ, રોડ અને ભૂગર્ભ ગટરના નબળા કામ પર તાત્‍કાલિક કાર્યવાહી કરી કામ અટકાવ્‍યું.

ભાજપ પ્રમુખ દિનેશભાઈ ગડારાની આગેવાનીમાં મહામંત્રી રૂપસિંહ ઝાલા સરપંચ એશો ના પ્રમુખ મહેશ લિખિયા અગ્રણી ગણેશ નમેરા દિનેશ વાધરિયા ભાવિન સેજપાલ સહિતની ટીમે ગ્રાઉન્‍ડ ઝીરોની મુલાકાત લઈ, કોન્‍ટ્રાક્‍ટરો અને કર્મચારીની ચાડી ખાતી કામગીરી નજરે નિહાળી સ્‍થળ પર ખખડાવી કામગીરી સ્‍થગિત કરાવી. પક્ષ પ્રમુખે સ્‍પષ્ટ કહ્યું કે, એક ટકો પણ નબળું કામ ચલાવી લેવાશે નહીં અને નાગરિકોને નબળી કામગીરીની જાણ કરવા અપીલ કરી.

શહેરના નગરનાકા પાસે કેટલાય મહિનાથી અધૂરા પડેલા રોડનું કામ ભાજપની સક્રિયતાથી રાતોરાત શરૂ થયું, જેનાથી નગરજનોમાં આશાનું કિરણ જાગ્‍યું. આ ઉપરાંત, સ્‍મશાનથી ખિજડિયા ચોકડી સુધીના રોડની દુર્દશા, પુલિયાની સમસ્‍યા, નગરપાલિકા કચેરી આસપાસની ગંદકી અને જાહેર શૌચાલયની બદહાલ સ્‍થિતિ દૂર કરવાની નગરજનોએ માગ ઉઠાવી. ભાજપની આ પહેલથી વિકાસ કામો ગતિ પકડે તેવી આશા જાગી છે. જોઈએ  વિકાસ ને કેટલો વેગ અપાવે છે.

(12:11 PM IST)