News of Thursday, 18th September 2025
અનિરૃધ્ધસિંહ જાડેજા ગમે તે ઘડીએ જુનાગઢ જેલમાં સરેન્ડર કરશે
પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં હાઇકોર્ટે આપેલ ડેડલાઇન આજે પૂર્ણ થતા ભારે ઉત્તેજના

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ :.. ગોંડલના કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં હાઇકોર્ટે આપેલી ડેડલાઇન આજે પુર્ણ થતા આ પ્રકરણમાં સંડોવાયેલ રીબડાના અનિરૃધ્ધસિંહ જાડેજા આજે ગમે ત્યારે સરેન્ડર કરે તેવી શકયતા છે.
ગોંડલમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની ૧૯૮૮ ની સાલમાં હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અનિરૃધ્ધસિંહ જાડેજાને ર૦૧૮ ની સાલમાં સજા માફી આપવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટે રદબાતલ ઠરાવી આજે તા. ૧૮ સપ્ટેમ્બર સુધીમાં અનિરૃધ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનો હુકમ કર્યો હતો.
સુપ્રિમ કોર્ટે પણ અનિરૃધ્ધસિંહ જાડેજાને સજા માફી મુદ્ે કોઇપણ રાહત નહી આપી તા. ૧૮મી સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.
આ મુદત આજે પુરી થઇ રહી છે ત્યારે અનિરૃધ્ધસિંહ જાડેજા સરેન્ડર કરશે કે નહીં તે અંગે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આજે જાણકાર પોલીસ સુત્રોએ આવતીકાલે સવારે જ જૂનાગઢની જેલમાં સરેન્ડર કરે તેવી શકયતા દર્શાવી છે. જે બાબત આવતીકાલે મોડી રાત સુધીમાં સ્પષ્ટ થઇ જશે.
જો સરેન્ડર કરશે તો ટૂંક સમયમાં ગોંડલ તાલુકા પોલીસ રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરશે. અનિરૃધ્ધસિંહ જાડેજાનો છૂટકારો જુનાગઢ જેલમાંથી થયો હોવાથી તેની જ કસ્ટડી ગણશે. આ સ્થિતિમાં જો સરેન્ડર થશે તો પણ તે જેલ જુનાગઢ હશે તેમ પણ જાણકાર સૂત્રોનું કહેવું છે.
જો કે જુનાગઢ જેલના સુત્રોએ સરેન્ડર કરશે કે નહીં તે બાબતે કોઇ માહિતી નહીં હોવાનું જણાવ્યું છે.જેલ અધિક્ષક શ્રી ગોહિલે 'અકિલા' ને જણાવ્યું હતું કે, આજે સવારના ૧૦ વાગ્યા સુધી અનિરૃધ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યુ નથી.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
