વિસાવદરના માલધારી પ્રકરણમાં રાહુલ ગાંધીની એન્ટ્રીનાં સમાચારોથી મામલો વધુ ગરમાયો : કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા, પાલભાઈ આંબલીયા, ગોવિંદભાઈ દેવાઈ સહિતના નેતાઓ માલધારી છાવણીમાં : અખિલ ગુજરાત મકરાણી બ્લોચ સમાજના જહાંગીર બ્લોચની સતત હાજરી : માલધારી સમાજ અને મકરાણી સમાજના ધાડેધાડા જૂનાગઢ ભણી : જબરી ઉત્કંઠા
વનતંત્રના કથિત ત્રાસથી માલધારીએ આપઘાત કર્યાના બનાવમાં નવો ફણગો : માલધારી પરિવારને ન્યાય નહીં મળે તો રાહુલ ગાંધી સિવિલ હોસ્પિટલ પહોંચશે : ૨૪ કલાક બાદ પણ પોલીસે ફરિયાદ નહીં નોંધતાં મૃતકના પરિવારે મૃત્તદેહ ન સ્વીકાર્યો, સમજાવટ માટે તંત્રએ કરેલા પ્રયાસ નિષ્ફળ :વનવિભાગના ACF, RFO સહીત ૪ સામે FIRની માંગ સાથે માલધારી સમાજ અડગ : SDM, DCF, RFOના સમજાવટના પ્રયાસો નિષ્ફળ, IG સાથે પરિવારની બેઠક

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮ : વિસાવદરના જાંબુથાળાના વન તંત્રની કથિત કનડગતના આક્ષેપ સાથે બે મકરાણી માલધારીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે પૈકી એકનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવમાં પોલીસે હજુ સુધી મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ કર્યો ન હોવાથી મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી જવાબદારો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. વન વિભાગના ત્રાસથી માલધારીએ આત્મહત્યા કર્યાના મામલે હજુ સુધી પોલીસે કાર્યવાહી ન કરતા ૨૪ કલાક બાદ પણ પરિવારજનોએ મૃતદેહ સંભાળ્યો નથી. પરિવારજનોની એક જ માંગ છે કે, વન વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ પર ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સંભાળવાનું વલણ અપનાવ્યું છે. તેમની સમજાવટ માટે ઊચ્ચ અધિકારીઓએ કરેલા પ્રયાસો હજુ સફળ થયા નથી. એવામાં કોંગ્રેસ આગેવાનોએ પણ કહેવાય છે કે જો રાત સુધીમાં ફરિયાદ નહી થાય તો જરૂર પડયે ગુરુવારે રાહુલ ગાંધીને રૂબરૂ સિવિલ હોસ્પિટલે લાવવા ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે. ૨૪ કલાક બાદ પણ પોલીસે ફરિયાદ નહીં નોંધતાં મૃતકના પરિવારે મૃત્તદેહ ન સ્વીકારતા અને સમજાવટ માટે તંત્રએ કરેલા પ્રયાસો નિષ્ફળ જતાં માલધારી સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. હાલ માત્ર અકસ્માતે મોત (એડી)ની નોંધ દાખલ કરવામાં આવી હોવાનું કહેવાય છે. વિસાવદરના પ્રાંત અધિકારી અને જૂનાગઢના પ્રાંત અધિકારીએ સિવિલ હોસ્પિટલે દોડી જઈ પરિવારજનો સાથે વાતચીતકરી મૃતદેહ સ્વીકારી લેવા સમજાવટ કરી હતી. પરિવારજનો એક જ માંગ પર અડગ રહ્યા હોવાથી બંને અધિકારીઓને ધક્કો થયો હતો.
કોંગ્રેસના આગેવાનોને આ વિશે જાણ થતા કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાંથી ધારાસભ્ય વિમલ ચુડાસમા,પાલભાઈ આંબલીયા, ગોવિંદભાઈ દેસાઈ જિલ્લા પ્રમુખો સહિતના આગેવાનોએ સિવિલ હોસ્પિટલે જઈ માલધારીના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. તેમણે વન વિભાગના અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે માલધારીઓને એટલી હદે ત્રાસ આપ્યો કે દવા પીવા મજબુર થયા, દવા પીતા હતા ત્યારે તેને રોકવાનો પ્રયાસ પણ ન કર્યો, બાદમાં ત્રણ- ત્રણ સરકારી ગાડી હાજર હોવા છતાં એક પણ ગાડી દવા પીધેલા માલધારીઓને હોસ્પિટલે લઈ જવા માટે ન આપી જેના લીધે દવા પીધેલી હાલતમાં માલધારીઓને બાઈક પર હોસ્પિટલે લઈ જવાની ફરજ પડી હતી. વન વિભાગના અધિકારીઓએ માનવતા નેવે મુકી દીધી છે અને પોલીસે આ ગંભીર બનાવ અંગે ફરિયાદ લેવા ઈન્કાર કરતાં પોલીસ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે સિવિલ હોસ્પિટલે આવી મૃતક સલીમભાઈના પુત્રનું દોઢથી બે કલાક સુધી નિવેદન લીધું હતું.
અખિલ ગુજરાત મકરાણી બ્લોચ સમાજના પ્રદેશ પ્રમુખ જહાંગીર બ્લોચ (રિટાયર્ડ નાયબ મામલતદાર) તથા જૂનાગઢ સમસ્ત મકરાણી સમાજના પ્રમુખ એજાજ મકરાણી (એડવોકેટ) અને મકરાણી સમાજના વરિષ્ઠ આગેવાનો સતત હાજર છે અને ગામેગામથી મકરાણી સમાજ તથા માલધારી સમાજ જૂનાગઢ ભણી દોટ મૂકી છે.
વનવિભાગના કથિત ત્રાસથી જાંબુથાળાના એક માલધારી યુવાન અને એક ખેડૂતે વિસાવદર એસીએફ કચેરીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ બનેને સારવાર માટે જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં માલધારી યુવકનું મંગળવારની રાતે સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના મોતના ૨૪ કલાક બાદ પણ તેમના પરિવારે મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરીને જ્યાં સુધી જવાબદાર વન અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં નહી આવે તેવી માંગ કરી રહ્યા છે. મેંદરડા રેંજના જાંબુથાળાના સલીમ ઈસ્માઈલ બ્લોચ અને હનીફ દાદમહમદ બ્લોચ નામના બે યુવકૉએ વિસાવદર એસીએફ કચેરીમાં ઝેરી દવા પીધી હતી, જેમાં જૂનાગઢ સારવાર દરમિયાન હનીફભાઈ સ્વસ્થ થતા તેમને રજા આપી દીધી અને ગતરાતે સલીમભાઈનું મોત થયું હતું. જેને લઈને રાતના તેમના પરિવારના સભ્યો અને સમાજના આગેવાનો સૌ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં બેઠા છે. અને જયાં સુધી તેમની માંગ સ્વિકારવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે. તેઓની માંગ એવા પ્રકારની છે કે, જવાબદાર વન અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તેમના ઉપર વનવિભાગે લગાવેલી નોટીસ અને ખોટી ફરિયાદ દુર કરવામાં નહી આવે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર નહી કરે. જેને લઈને આજે દિવસ દરમિયાન કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલીયા, ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતનાએ માલધારી સમાજની છાવણીની મુલાકાત લીધી હતી. અને મોડી રાત સુધી તેમની સાથે રહ્યા હતા.
માલધારીઓસાથે સમજાવટ માટે આજે જૂનાગઢ અને વિસાવદરના પાંત અધિકારી બંનેએ માલધારી પરિવારની મુલાકાત લીધી હતી, અને તેઓને સમજાવવા પ્રયાસો કરતા કહ્યું કે, તેમની સમસ્યા હલ કરવા માટે પોલીસ, વહીવટી તંત્ર અને વનવિભાગની કમિટી બનાવી ચર્ચા કરીને કોઈ રસ્તાઓ કાઢીશું. અને બાદમાં જે કાઈ કાર્યવાહી કરવાની થશે તે કરીશું. અને પોલીસે હાલ એડી નોંધી છે, અને તેની તપાસ બાદ કાર્યવાહી કરવાનીખાતરી આપી છતાં મોડી રાતના ૯ કલાક સુધી પરિવાર મૃતદેહ સ્વિકારવા તૈયાર નહોતો થયો. આ બાબતે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું કે, તેમના દ્વારા આઈજી સાથે બેઠક કરવામાં આવી, જેમાં એસપી પણ હાજર હતા, તેઓએ કહ્યું કે, તપાસ ચાલી રહી છે. તપાસમાં જે આવે તેના ઉપર સવાર સુધીમાં જવાબ આપીશું. પરંતુ હા તો મામલો ત્યાનો ત્યાં જ અટવાયો છે, અને પરિવાર ન્યાયની માંગ સાથે સિવિલ હોસ્પિટલમાં બેઠો છે. જાંબુથાળા નેસમાં વસતા એક માલધારી સલીમભાઈએ વન વિભાગના કથિત ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસે વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો ઇનકાર કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. સલીમભાઈએ સાત દિવસ સુધી જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
વન વિભાગના અધિકારીઓના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ: આ ઘટના ગત 9 તારીખના રોજ બની હતી. મેંદરડા તાલુકાના જાંબુથાળા ગામના નેસ વિસ્તારમાં રહેતાં સલીમભાઈ બ્લોચ નામના આધેડને વન વિભાગ દ્વારા ઢોર ચરાવવા અને મકાન ખાલી કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓના કથિત ત્રાસથી કંટાળીને સલીમભાઈએ અને તેના ભાઈએ હનીફભાઈ બ્લોચએ વિસાવદર વન વિભાગની કચેરીમાં જ ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ લાંબી સારવાર બાદ સલીમભાઈનું મોત નીપજ્યું હતું.
'અધિકારી સામે FIR નોંધવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. આ ઘટના બાદ મોડી રાત્રે વિસાવદર પોલીસ જુનાગઢ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. મૃતક સલીમભાઈના પરિવારજનો અને મકરાણી સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમણે વન વિભાગના જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહીની માગ કરી છે. પરિવારે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી દોષિત અધિકારી સામે FIR નોંધવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.
સુસાઇડ નોટમાં વન વિભાગના અધિકારીઓ પર આક્ષેપ : મૃતકના પરિવારજનોએ પોલીસ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, સલીમભાઈએ સુસાઇડ નોટમાં વન વિભાગના અધિકારીઓનો ઉલ્લેખ કર્યો હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આ ઘટનાને કલાકોથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે. આ કારણે પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે.
ખોટી નોટિસ આપીને ધમકાવવામાં આવતા હતા : પરિવારજનોના જણાવ્યા અનુસાર, વન વિભાગના અધિકારીઓ દ્વારા સલીમભાઈને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હતા. તેઓ માલધારીને એવા આરોપો સાથે ધમકાવતા હતા કે તેઓ બહારના પશુઓને જંગલમાં ચરાવવા માટે લાવે છે. સલીમભાઈએ પોતાની માલિકીના પશુ હોવાનું સોગંદનામું આપ્યું હોવા છતાં તેમને ખોટી નોટિસ આપીને ધમકાવવામાં આવતા હતા. આ ત્રાસથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું પરિવારનો દાવો છે. હોસ્પિટલમાં મામલતદાર દ્વારા લેવાયેલા ડાઈંગ ડિક્લેરેશનમાં પણ સલીમભાઈએ વન વિભાગના અધિકારીઓના ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે.
અમને ધમકીઓ આપી રહ્યા હતા કે અમે ઝૂંપડા હટાવી લઈએ : મૃતકના ભાઈ હનીફભાઈ દાદમહમદભાઈએ જણાવ્યું, અમે સદીઓથી અહીંયા વસવાટ કરીએ છીએ અને પશુપાલન કરી જીવન ગુજારીએ છીએ.
અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરો : મૃતકના મોટા ભાઈ ભીખુભાઈ ઇસ્માલભાઈએ જણાવ્યું કે, જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં નહિ આવે અને તેમને સસ્પેન્ડ કરીને તાત્કાલિક ધરપકડ કરવામાં નહિ આવેત્યાં સુધી પરિવાર મૃતદેહ સ્વીકારશે નહીં. તેમણે સરકાર પાસે તાત્કાલિક ન્યાયની માગ કરી છે.
કોંગ્રેસના નેતાઓ પરિવારની મુલાકાત લઈને રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા : ગુજરાત કોંગ્રેસના આગેવાનો મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી અને આ કપરા સમયમાં તેમની પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી. આ મુલાકાત બાદ કોંગ્રેસના નેતાઓએ રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આક્ષેપ લગાવ્યો કે સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીશાહીના રાજને કારણે એક નિર્દોષ યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને સરકાર માલધારી સમાજને ન્યાય અપાવવામાં સદંતર નિષ્ફળ રહી છે. 7 દિવસ પેહલા માલધારી ખેડૂતનો ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ, વન વિભાગના ત્રાસથી પગલું ભર્યાનો આક્ષેપ : મેંદરડા તાલુકામાં વન વિભાગના કથિત ત્રાસથી કંટાળીને એક માલધારી અને એક ખેડૂતે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના વિસાવદર વન વિભાગની કચેરીમાં બની હતી. જાંબુથાળા ગામના આ બંને વ્યક્તિઓને પશુઓ ચરાવવા બદલ વન વિભાગે નોટિસ આપી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
