<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ખંભાળિયા તાલુકાના બેહ ગામે સોમવારે જુંગીવારા વાછરાભાની જાતર ભવ્‍ય ઉજવણી થશે

દર વર્ષની જેમ સૌરાષ્ટ્રભર માંથી હજારો ભાવિકો ઉમટશેઃ જુંગીવારા ધામ ચારણ ગઢવી સમાજ માટે એકતાનું પ્રતિક સમું

(કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળિયા તા.૨૦:  તાલુકાના બેહ ગામે  નવરાત્રીના પ્રથમ સોમવારે ૨૨.૦૯.૨૦૨૫ના રોજ જુંગીવારા વાછરાભાઈ ના મંદિરે જાતર નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે ખંભાળીયા થી ૩૦ કિલોમીટર દૂર દ્વારકા  હાઇવે પર જતા ૯ કી.મી બેહ ગામે જુગીવારા વાછરાભાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે આશરે પાંચસો વર્ષ પહેલા બેહ ગામે આવેલ જુગી નામના જંગલમાં રાક્ષસ રહેતો હતો તે રાક્ષસ ગામ લોકોને પરેશાન કરતો હતો તે વખતે ચારણ ની દીકરી કરમઈબાઈ ભાથુ લઈને પસાર થતા આ અસુરે કુદ્રષ્ટિ કરતા કરમઈબાઈ સાક્ષાત ધરાઅંબા શક્‍તિનો અવતાર હોવાથી તેમણે વીર વછરાજ ને સમરણ કરતા જ વિર વછરાજ પ્રગટ થઈ અસુર ને ત્‍યાં હણીને ચારણ ની દીકરી ની રક્ષા કરી હતી, જે કરમઈબાઈ પ્રગટ થયેલા વછરાજ ને અહીં બેહ ગામમાં જ રહી ગામ નું રક્ષણ કરવાનું કહી પોતે સમાધિ રૂપે સમાઈ ગયા હતા ત્‍યારથી જ વીર વછરાજ જુંગીવારા ના નામથી બેહ ગામે પ્રજવલિત થયા છે

ગામલોકોના વડવાઓના જણાવ્‍યા મુજબ આશરે ૨૦૦ વર્ષ પહેલા જામનગર સ્‍ટેટ તરીકે ઓળખાતા જામસાહેબ દ્વારા સ્‍ટેટનો બાકી આકાર(કર) માટે વસૂલવા ફરમાન કરવામાં આવેલું તેમાં બેહ ગામ નો કર બાકી હોય કર ભરવાની મુદત પૂરી થઇ જતા ખાલસા કરવાનો હુકમ જામનગરના સ્‍ટેટ કર્યો ગામલોકો દ્વારા વિર વછરાજ ભાઈની  ડેરીએ પ્રાર્થના કરી અને આગેવાનોએ થોડો-ઘણો કરો લઈ જામ સ્‍ટેટના બંગલે પહોંચ્‍યા ત્‍યારે જામ સ્‍ટેટ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે બેહ ગામ નો કર ભરાઇ ગયેલ છે ત્‍યારે ગામના લોકોનો આ બાબતે સાહેબને પૂછવામાં આવતા સાહેબે જણાવ્‍યું હતું કે કોઈ ઘોડેસવાર વ્‍યક્‍તિ આવીને ભરી ગયેલ હોય તો ગામના આગેવાનોએ માનેલ કે નક્કી જુંગીવારા વાછરા ભાઈએ ભરેલ છે અત્‍યારે ત્‍યાં જુંગીવારા વાછરા ભાઈ નું ભવ્‍ય મંદિર બનાવવામાં આવેલ છે

જાતરમાં ચારણ ગઢવી  સમાજના ભાઈઓ બહેનો દ્વારા પરંપરાગત ચારણી રમત વિખ્‍યાત છે જે અહીં જાતરમાં ભાઈઓ બહેનો ની રમતની અનેરી જમાવટ જોવા મળશે આ સાથે વાછરાભાઈના મંદિરમાં ખીરનું નિવેદ્ય કરવામાં આવે છે આ મંદિરમાં દર વર્ષે નવરાત્રીના પ્રથમ સોમવારે જાતરની ઉજવણી કરવામાં આવે છે વછરાજ ભક્‍તો હજારો ની સંખ્‍યામા ઉમટે છે શ્રી જુંગીવારાધામ અન્નક્ષેત્ર ટ્રસ્‍ટ તથા બેહ ગામના સરપંચ પ્રવીણભાઈ ગઢવી સહિત ગ્રામજનો દ્વારા જાતરની ભવ્‍ય ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

(11:16 AM IST)