તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૨ બુધવાર
માળીયા મિયાણાના ખાખરેચી ગામે ૧૦૮ એમ્બ્યુલન્સની ઠોકરે ૪ વર્ષની પ્રિયાનું મોત
શેરડીનો રસ લઇ માતા સાથે ચાલીને વાડીએ જતી હતી ત્યારે બનાવઃ મુળ દાહોદના મજૂર પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૦: મોરબીના માળીયા મિયાણાના ખાખરેચી ગામે ચતુરભાઇ ગોવિંદભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ દાહોદના અલ્કેશભાઇ ભીલવાની દિકરી પ્રિયા (ઉ.વ.૪) ગઇકાલે વાડી નજીક રસ્તા પર માતા સાથે ચાલીને જતી હતી ત્યારે અજાણી ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકે ઠોકરે લેતાં માથા-શરીરે-પગમાં ગંભીર ઇજાઓ થતાં મોરબી સારવાર માટે ખસેડાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહિ તેણીનું મૃત્યુ થતાં મજૂરી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર પ્રિયા બે બહેનમાં મોટી હતી. તે માતા ગંગાબેન સાથે શેરડીનો રસ લેવા ગઇ હતી.
મા-દિકરી રસ લઇને પરત વાડીએ આવી રહ્યા હતાં ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સનો ચાલક કોઇ દર્દીને લેવા જવાનો કોલ હોઇ તે માટે નીકળ્યો હતો. આ વખતે અકસ્માત સર્જાયો હતો. માળીયા મિયાણા પોલીસને જાણ કરવામાં આવતાં તપાસ હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
