સૌરાષ્ટ્રના ખંભાળિયામાં યુવા મહોત્સવમાં અફરાતફરી: આહીર કન્યા છાત્રાલયમાં ૫૦થી વધુ વિદ્યાર્થિનીઓને ઝાડા-ઉલ્ટી, ફૂડ પોઈઝનિંગનું અનુમાન

(કૌશલ સવજાણી દ્વારા): ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં હર્ષદપુર – દ્વારકા રોડ ઉપર આહીર કન્યા છાત્રાલયમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગઈકાલે અચાનક અફરાતફરી મચી ગઈ હતી. આંતર કોલેજ સ્પર્ધા અને યુવા મહોત્સવમાં ભાગ લેતી ૪૦થી ૫૦ વિદ્યાર્થિનીઓને અચાનક ઝાડા અને ઉલ્ટીની ફરિયાદ થતાં તેમને તાત્કાલિક ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમની તાત્કાલિક સારવાર કરવામાં આવી અને હાલ તમામ વિદ્યાર્થિનીઓ સ્વસ્થ છે તથા તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. અહીં બે દિવસથી વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા હતા અને વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટના સમયે વિદ્યાર્થિનીઓ અને છાત્રાલય સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. એક સાથે સાતથી આઠ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. છાત્રાલય અધ્યક્ષ વી.એચ. કનારા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. એક જવાબદાર પ્રવક્તાએ જણાવ્યું કે તમામ વિદ્યાર્થિનીઓ હવે ભયમુક્ત છે અને તેમની તબિયતમાં સુધારો થયો છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે અને ફૂડ પોઈઝનિંગનું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ આ અહેવાલ પ્રસારિત થઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
