<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

કચ્છમાં માનવીય સંવેદનાનો ગરબો: રાપર પોલીસે મનો દિવ્યાંગો સાથે કરી નવરાત્રિની ઉજવણી : જુઓ વિડિઓ

બહેનોને ચણિયા ચોળી અને ભાઈઓને ટીશર્ટ અર્પણ કરાયા, મનો દિવ્યાંગ કેયુરનો ઉજવ્યો જન્મ દિવસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨ : સામાન્ય રીતે લોકોમાં પોલીસની છાપ રૂક્ષ અને કડક હોય છે. પરંતુ આજે વાત કરવી છે ખાખી વરદીની નીચે ધબકતા પોલીસની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિની. પૂર્વ કચ્છ પોલીસ જિલ્લા હેઠળની રાપર પોલીસે માનવીય સંવેદના સાથેના ગરબાને ઘૂમતો કરી મનો દિવ્યાંગો (મંદબુદ્ધિ ધરાવતા બહેનો અને ભાઈઓ) સાથે આદ્ય શક્તિની આરાધના કરી નવરાત્રિની ઉજવણી કરી માનવતાનો સંદેશો વહેતો કર્યો હતો. માનસિક વિકાસના અભાવના કારણે સામાન્ય રીતે મંદ બુદ્ધિ ધરાવનારા લોકો સમાજથી પર પોતાની દુનિયામાં મસ્ત રહી જીવન જીવતા હોય છે. પરંતુ રાપરમાં કાર્યરત સંસ્થા ગ્રામ્ય સેવા સંગઠન અનેક મનો દિવ્યાંગો માટે આશરો બની છે. અહીં રહેતા મનો દિવ્યાંગો માટે રાપર પોલીસે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરી આ મનો દિવ્યાંગોના જીવનમાં તહેવારની ઉજવણી સાથે ભક્તિ અને શ્રદ્ધાનો દીવો પ્રગટાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. તો આ પ્રસંગે એક મંદબુદ્ધિ યુવક કેયૂર મહેતાનો જન્મ દિવસ હોઈ સૌ એ સાથે મળી આ મનો દિવ્યાંગ યુવાનના જન્મ દિવસની ઉજવણી કરી હતી. કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાપર પીઆઇ જે.બી.બુબડીયા તથા સેંકડ પીઆઇ એસ.વી.ચૌધરી સહિત રાપર પોલીસ ના તમામ કર્મચારીઓએ ગ્રામ્ય સેવા સંગઠન ખાતે સૌ આ મનો દિવ્યાંગો સાથે ગરબે ઘૂમ્યા હતા. અહીં હૃદયને સ્પર્શે એવી વાત એ રહી કે પોલીસ દ્વારા નવરાત્રિ પ્રસંગે ૨૨ મનો દિવ્યાંગ બહેનો માટે ખાસ ચણિયા ચોળી તેમ જ ૭૩ ભાઈઓ માટે ટી શર્ટ મંગાવાયા હતા. માનવતાની મહેંક સાથે સમાજમાં માનવીય સંવેદનાનો સંદેશ પ્રસરાવતા આ કાર્યક્રમમાં પીઆઇ જે.બી.બુબડીયા,સેકન્ડ પીઆઇ એસ.વી.ચૌધરી, સાથે બાબુભાઈ કારોત્રા, રંજનબેન મુલીયાણા, જાગૃતિબેન ગામોટ, નાથાભાઈ પરમાર કરશનભાઈ મોરી, મહેશ પટેલ, નરેશ ઠાકોર, મુકેશસિંહ રાઠોડ, ઉર્વશી સોલંકી, વર્ષા કોલી, વિક્રમ દેસાઈ ડી.કે.ચૌધરી, રાજેશસિંહ યાદવ, હેતલ ધોળકિયા, પિન્કલબેન દેસાઈ, કિરણ બારોટ તથા તમામ સ્ટાફ જોડાયો હતો. મનો દિવ્યાંગ જનો સાથે પોલીસ પરિવારની સંવેદના અને માનવતાની ભાવના બદલ ગ્રામ્ય સેવા સંગઠન સંસ્થાના શૈલેષભાઈ કોઠારી એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:36 AM IST)