News of Wednesday, 24th September 2025
જેતપુરમાં તમાકુ લેવા જવાની ના પાડતાં ૧૮ વર્ષના કરણસિંગની માથામાં સળીયાના ઘા ફટકારી હત્યા
બાવીસ દિવસ પહેલા તેના જ વતનના જયસિંગ ગોંડે હુમલો કર્યો હતોઃ યુવાને સારવારમાં દમ તોડતાં અરેરાટીઃ મૃતક તેના પિત્રાઇના ઘરે બનાવના ચાર દિવસ પહેલા જ ફરવા માટે આવ્યો હતોઃ જેતપુર પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ કરી

રાજકોટ તા. ૨૪: જેતપુરમાં રહી એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતાં મધ્યપ્રદેશના યુવાનના ઘરે બાવીસ દિવસ પહેલા એમપીથી તેના કાકાનો દિકરો ફરવા માટે આવ્યો હોઇ તેને સાથે રહેતાં એમપીના જ એક શખ્સે તમાકુ લેવા જવાનું કહેતાં આ યુવાને પોતે અહિ નવો હોઇ તમાકુ લેવા જવાની ના પાડતાં બોલાચાલી થયા બાદ આ યુવાન રાતે સુતો હોઇ તેના પર સળીયાના ઘા કરી ગંભીર ઇજા પહોંચાડાઇ હતી. સારવાર દરમિયાન યુવાનનું મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે.
આ બનાવમાં જેતપુર સીટી પોલીસે હાલ જેતપુરમાં જુનાગઢ રોડ પર જલારામ મંદિર પાછળ મયુરભાઇ ગોસ્વામીના ભાડાના કારખાનાનની ઓરડીમાં રહેતાં મુળ એમપીના મલાયાના શ્યામલાલસિંગ રામાવતાર ગોડ (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ગત તા. ૩ના રોજ જયસિંગ કુંવર ગોંડ વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન કરણસિંગ ભુપતસિંહ ગોંડલ (ઉ.વ.૧૮)નું મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.
આ બનાવમાં શ્યામલાલસિંગ ગોંડએ જણાવ્યું હતું કે હું મુળ એમપીનો વતની છું અને હાલ જેતપુર રહી એમ્બ્રોરીના કારખાનામાં કામ કરુ છું. મારી સાથે મારા કાકાનો દિકરો કરણસિંગ ગોંડ પણ ચારેક દિવસ પહેલા કારખાનામાં કામ કરવા આવ્યો હતો. તા. ૨/૯ના રોજ અમે બધા કામ પુરૂ કરી ઓરડમીાં બેઠા હતાં. આ વખતે અમારી સાથે જ રહેતો અને કામ કરતો અમારા ગામનો જયસિંગ કુંવરસિંગ ગોંડ તમાકુ ખાવાની ટેવ ધરાવતો હોઇ તેણે નવા નવા કામ કરવા આવેલા કરણસિંગને તમાકુ લેવા જવાનું કહેતાં કરણસિંગે તેને ના પાડી દેતાં જયસિંગને સારુ લાગ્યું નહોતું. આથી તે કરણસિંગનો કોલર પકડી તેને ધમકાવવા લાગ્યો હતો. આ વખતે મેં તેને વચ્ચે પડી સમજાવ્યો હતો અને તેને એક થપ્પડ મારી કહ્યું હતું કે કરણસિંગ મારા કાકનો દિકરો થાય છે, એ અહિ નવો નવો છે, તું તેને તમાકુ લેવા શું કામ મોકલે છે? તેમ કહેતાં તે ‘દેખ લુંગા' તેમ કહીને જતો રહ્યો હતો.
બાદ અમે બધા ઓરડીમાં સુઇ ગયા હતાં. અન્ય કર્મચારી દાતારામે કહેલુ કે કરણસિંગ ઓફિસમાં સુતો છે અને દરવાજો બંધ છે, અંદર લોહી દેખાય છે. આથી અમે બારીનો કાચ તોડીને જોતાં અને ૧૦૮ બોલાવતાં કરણસિંગ લોહીલુહાણ હોઇ તેને જેતપુર હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડયો હતો. તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી. અહિ રાજકોટ સિવિલમાં વેન્ટીલેટર પર રખાયો હતો. કરણસિંગને તમાકુ લેવા જવાનું જયસિંગે કહેતાં કરણસિંગે ના પાડી હોઇ જેથી જયસિંગે ઝઘડો કર્યો હોઇ મેં તેને લાફો માર્યો હોઇ આનો ખાર રાખી રાતે જયસિંગે કોઇપણ સમયે કારખાનાની ઓરડીમાં આવી મારો કાકાનો દિકરો કરણસિંગ સુતો હોઇ તેના માથામાં સળીયો ફટકારી ગંભીર ઇજા કરી હતી. બાદમાં અંદરથી દરવાજો બંધ કરી બારી ખોલી ભાગી ગયો હોવાનું અમને જાણવા મળ્યું હતું.
પીઆઇ વી. એમ. ડોડીયા અને સ્ટાફે જે તે વખતે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. સારવારમાં કરણસિંગનું મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે. તે બે ભાઇ અને અકે બહેનમાં મોટો હતો. તેના પિતા વતનમાં ખેત મજૂરી કરે છે. કરણસિંગ પર હુમલો થયો તેના ચાર દિવસ પહેલા જ તે પિત્રાઇ ભાઇને ત્યાં ફરવા આવ્યો હતો અને આ ઘટનાનો ભોગ બન્યો હતો. (૧૪.૫)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
