News of Thursday, 25th September 2025
સાયલામાં રૂ.૭.૫ કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક ‘એનિમલ હોસ્પિટલ': સંતોના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન
સાયલાની આસપાસના લગભગ ૧૦૦ કિ.મી. વિસ્તારમાં સારવારના અભાવે અકાળે મળત્યુ પામતા હજારો અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળશે

રાજકોટઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે પ્રથમ નોરતે સંતો-મહંતોના વરદહસ્તે ‘‘સાયલા મહાજન પાંજરાપોળ''ની બે એકર જમીન પર રૂ.૭.૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારી અત્યાધુનિક ‘એનિમલ હોસ્પિટલ'નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલના નિર્માણથી સાયલાની આસપાસના લગભગ ૧૦૦ કિ.મી. વિસ્તારમાં સારવારના અભાવે અકાળે મળત્યુ પામતા હજારો અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળશે.
આ પવિત્ર કાર્યનું ખાતમુહૂર્ત સાયલાના લાલજી મહારાજની જગ્યાના મહંત શ્રી દુર્ગાદાસજી મહારાજ, લીંબડી મોટા મંદિરના મહંત શ્રી લલિતકિશોરદાસજી મહારાજ, દૂધઈ વડવાળા જગ્યાના મહંત શ્રી રામબાલકદાસજી મહારાજ, લોમેવધામ-ધજાળાના મહંત શ્રી ભરતબાપુ અને રાજશોભાગ આશ્રમના ભાઈશ્રી નલીનભાઈ કોઠારીના કરકમળો દ્વારા કરવામાં આવ્યું હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે. આ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, આઈ સી યુ એક્સ-રે, સોનોગ્રાફી (યુએસજી) અને ફિઝિયોથેરાપી જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. સાયલા મહાજન પાંજરાપોળના પ્રમુખ જીતુભાઈ શાહે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આવી કોઈ સુવિધા ન હોવાથી રોડ અકસ્માતમાં ઘાયલ થતાં અનેક પશુઓ જીવ ગુમાવતા હતા, જેમને હવે તાત્કાલિક સારવાર મળશે.
આ પ્રસંગે સાયલા સ્ટેટના ઠાકોર સાહેબ સોમરાજસિંહજી, લીંબડી-સાયલાના ધારાસભ્ય કિરીટસિંહજી રાણા, સરપંચ અજયરાજસિંહ ઝાલા, એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી તથા મુખ્ય દાતાઓ હરીનભાઈ અને જશવંતીબેન ઠાકર (યુકે) અને હાઇડ્રોલિક એમ્બ્યુલન્સના દાતા શ્રીમતી જીજ્ઞાબેન શાહ (મુંબઈ) સહિત અનેક જીવદયા પ્રેમીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટની ટીમે આ કાર્યમાં સહયોગ આપ્યો હોવાનું પણ સંસ્થાએ જણાવ્યું છે.
આ ભગીરથ કાર્યમાં સહયોગ આપવા માટે પાંજરાપોળના પ્રમુખ જીતુભાઈ શાહ (મો. ૯૮૨૫૦ ૦૫૦૭૧)નો સંપર્ક કરવા જણાવાયું છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
