<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

નગરપાલિકાની ધીમી કામગીરીથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા

ડમરીઓ ઉડે છે અને વાહન વ્યવહાર અવરોધાય છેઃનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રોડ પર ચાલી રહેલા નવીનીકરણના કામથી સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

જામ ખંભાળિયા,તા.૨૫

જામ ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રોડ પર ચાલી રહેલા નવીનીકરણના કામથી સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાર રસ્તાથી નગર નાકા તરફના આ મુખ્ય માર્ગનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી વેપારીઓનો ધંધો ઠપ્પ થઈ ગયો છે અને તેમને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ રોડનું સમારકામ છેલ્લા ૧૫ દિવસોથી ચાલી રહ્યું છે. પરંતુ કામની ગતિ એટલી ધીમી છે કે જાણે કાચબાની ચાલે ચાલી રહી હોય.

મુખ્ય માર્ગ પર ખોદકામ અને બાંધકામના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે અને વાહન વ્યવહાર અવરોધાય છે. જેના કારણે ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી. તહેવારોની સિઝન હોવા છતાં મોબાઈલ, કલર, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ચીજવસ્તુઓની દુકાનો સુમસામ ભાસી રહી છે. સ્થાનિક વેપારીઓએ નગરપાલિકાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું છે કે પાલિકાની અણઆવડત અને બેદરકારીને કારણે તેમનો ધંધો ચોપટ થઈ ગયો છે.

આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓએ તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો કામ ઝડપથી પૂરું કરવામાં નહીં આવે તો તેમને વધુ મોટું નુકસાન વેઠવું પડશે. આ મામલે વેપારીઓએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જોકે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે અને જો કામગીરી ઝડપી નહીં થાય તો તેઓ આંદોલન પણ કરી શકે છે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

(9:17 PM IST)