<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

હુન્નરમંદ હાથ....આત્મનિર્ભરતાનો રાહ : અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામના લક્ષ્મીબહેન વાઘેલાનો 'રેશમની દોરી' થી 'જીવનનો દોર' બદલાયો : એક હજારના રોકાણથી...સમૃદ્ધિની શરૂઆત સુધી.. : જુઓ વિડીયો

મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ અને યોજનાઓથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની મહિલાઓમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે : લક્ષ્મીબેન વાઘેલા : હુન્નરમંદ હાથને સરકારનો સાથ : સરસ મેળાના માધ્યમથી હુન્નરમંદોને મળ્યું પ્લેટફોર્મ

અમરેલી તા.૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ (શનિવાર)  અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામના લક્ષ્મીબેન વાઘેલાનો 'રેશમની દોરી' થી તેમના ' જીવનનો દોર' બદલાયો છે ! વાત એમ છે કે, રેશમની દોરીમાંથી અવનવા ઝૂલા, ઝૂમર, તોરણ, ટોડલીયા વગેરે ગૃહ સુશોભનની કલાત્મક વસ્તુઓ બનાવી તેમના જીવનમાં 'સમૃદ્ધિ અને સન્માન' નો નવો ઉજાસ પથરાયો છે.

એક સમયે ઘરકામની સાથે સામાન્ય નોકરી કરતાં લક્ષ્મીબેનના જીવનમાં બદલાવની શરૂઆત ત્યારે થઈ, જ્યારે તેમણે SBI સંચાલિત ગ્રામીણ સ્વરોજગારી તાલીમ સંસ્થામાંથી પંદરેક દિવસની વ્યવસાયિક તાલીમ મેળવી. પછી દિવ્યજ્યોત આજીવિકા મંડળ - સ્વ સહાય જૂથ રચના કરી. પછી તેમણે પાછું વાળીને જોયું નથી. 

લક્ષ્મીબેને માત્ર રૂ.૧,૦૦૦ના રોકાણથી હાથ બનાવટની કલાત્મક વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી, આજે તો તેઓ મહિને સરળતાથી રૂ. ૭૦ - ૮૦ હજારની વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.  

તેઓ કહે છે કે, રેશમની દોરીમાંથી રજવાડી ઝૂલા, ગાર્ડન ઝૂલા, કપલ - સિંગલ ઝૂલા, ટેડી બિયર ઝૂલો ઉપરાંત તોરણ, ઝૂમર, ટોડલીયા, સિલિંગ અને વોલ ફૂલદાની વગેરે કલાત્મક વસ્તુઓ બનાવવાના હુન્નરે એક નવી ઓળખ તો આપી છે, સાથે જ આર્થિક રીતે પગભર બન્યા છીએ. તેમણે કહ્યું કે, દિવ્યજ્યોત આજીવિકા મંડળમાં ૧૦થી વધુ બહેનો જોડાયેલા છે, તેમને પણ રોજગારી મળી રહી છે. 

તેઓ કહે છે કે, ખાસ રેશમની દોરીમાંથી બનાવેલા જુદા જુદા ઝૂલાઓ લોકોને ખૂબ પસંદ પડે છે અને તેની માંગ પણ એટલી જ રહે છે, લગ્ન વગેરે પ્રસંગોની સિઝનમાં પણ તોરણ, ઝૂમર, ટોડલીયા વગેરેનો સેટ છે. તેનું પણ એટલું જ વેચાણ થાય છે.

તેઓ જણાવે છે કે, આ હાથ બનાવટની વસ્તુઓનું સરળતાથી વેચાણ થઈ શકે તે માટે જુદા જુદા પ્લેટફોર્મ પુરા પાડવા માટે ગ્રામ વિકાસ એજન્સી- અમરેલીનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે. આ સફળતામાં તેઓ તેમના પતિ શ્રી મિથુનભાઈ અને પરિવારજનોનો એટલો જ સહયોગ સહયોગ હોવાનું માને છે.

તેઓ કહે છે કે, સરસ મેળા ઉપરાંત રાજ્યમાં અને રાજ્ય બહાર કેન્દ્ર - રાજ્ય સરકાર દ્વારા આયોજિત મેળાથી વસ્તુઓના વેચાણ અને માર્કેટિંગ માટેનું એક પ્લેટફોર્મ મળે છે. તેઓ મુંબઈ, અમદાવાદ, કચ્છ, સોમનાથ વગેરે  શહેરોમાં આયોજિત મેળામાં ભાગ લઈ ચૂક્યા છે.

તેઓ જણાવે છે કે, એક સમયે મહિલાઓનું જીવન ચાર દીવાલો વચ્ચે મર્યાદિત હતું, પરંતુ કેન્દ્ર -  રાજ્ય સરકારની મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે પગભર કરવા માટેની પ્રોત્સાહક નીતિઓ અને યોજનાઓથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની મહિલાઓમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. આજે મહિલાઓ ઘર સંભાળવાની સાથે રચનાત્મક પ્રવૃત્તિના માધ્યમથી તેમના જીવનમાં નવા આયામો ઉમેરાયા છે. 

કેન્દ્ર રાજ્ય સરકારે મહિલાઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે તાલીમ અને પ્રોત્સાહન આપવાની સાથે સામાજિક આર્થિક રીતે આગળ વધવા માટે પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, અમરેલી ખાતેના ફોરવર્ડ હાઇસ્કુલ મેદાનમાં આયોજિત સરસ મેળામાં એક સ્ટોલ્સ માધ્યમથી લક્ષ્મીબેન વાઘેલા હાથ બનાવટની કલાત્મક વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.

ગુજરાત સરકારના સાહસ ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન અંતર્ગત આયોજિત સરસ મેળાના માધ્યમથી સ્વ સહાય જૂથોના બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટેનું પ્લેટફોર્મ મળે છે, સાથે જ સ્થાનિક વસ્તુઓનું બ્રાન્ડિંગ પણ થાય છે. અહીં જિલ્લા અને રાજ્યભરમાંથી આવેલા સ્વ સહાય જૂથોના બહેનોએ ઇમિટેશન, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ પ્રાકૃતિક કૃષિ પેદાશો, ક્લે આર્ટ સહિત અવનવી વસ્તુઓના ૫૫ સ્ટોલ્સ લગાવ્યાં છે. આ સરસ મેળામાં મહિલાઓને વિનામૂલ્યે સ્ટોલ્સ ફાળવવાની સાથે રહેવા જમવાની સુવિધાઓ આપવામાં આવે છે.

(આલેખન : રોહિત ઉસદડ- માહિતી ખાતું-અમરેલી)

(4:04 PM IST)