<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

બોઘરાવદરની હોસ્‍ટેલમાં ઝેરી દવા પી લેનારા રાજકોટના ૧૭ વર્ષના છાત્ર જયપાલનું મોત

હોસ્‍ટેલમાં રહી ૧૨મું ધોરણ ભણતો હતોઃ ત્‍યાં દવા પી રાજકોટ આવી પેટમાં દુઃખતું હોવાનું કહ્યું હતું: એકના એક દિકરાના મૃત્‍યુથી કાલાવડ રોડ કણકોટ રામનગરના ગાબુ પરિવારમાં શોકની કાલીમા

 

 

રાજકોટ તા. ૨૯: જસદણના બોઘરાવદર ગામે આવેલી હોસ્‍ટેલમાં રહી અભ્‍યાસ કરતાં રાજકોટના ધોરણ-૧૨ના છાત્રએ થોડા દિવસ પહેલા હોસ્‍ટેલમાં હતો ત્‍યારે ઝેરી દવા પી લીધી હતી. તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ પર કણકોટના પાટીયે રામનગર સોસાયટીમાં  રહેતો જયપાલ દિનેશભાઇ ગાબુ (ઉ.વ.૧૭) આઠેક દિવસ પહેલા જસદણના બોઘરાવદર ગામે આવેલી હોસ્‍ટેલ ખાતે હતો ત્‍યારે કોઇ દવા પી ગયો હતો. બાદમાં તેણે રાજકોટ ઘરે આવી પોતાને પેટમાં દુઃખતું હોવાનું પિતાને કહેતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જ્‍યાં તેણે કોઇ દવા પી લીધાનું બહાર આવતાં પોલીસને જાણ કરાઇ હતી.

સારવાર દરમિયાન જયપાલનું મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. જયપાલ એક બહેનથી મોટો અને માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. જયપાલ ધોરણ-૧૨માં અભ્‍યાસ કરતો હતો. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે બહાર ન આવતાં પોલીસે વધુ તપાસ યથાવત રાખી હતી. પ્રાથમિક કાર્યવાહી માલવીયાનગર પોલીસે કરી હતી. (૧૪.૬)

(10:57 AM IST)