News of Monday, 29th September 2025
જસદણ હિંગોળગઢ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનાઃ બે મહિલાના મોત,એક ગંભીર
જસદણના ૧૫ જેટલા બહેનો વીંછીયા ખાતેથી કેટરર્સનું કામ પરત કરી જસદણ આવતા હતા એ દરમિયાન હિંગોળગઢના ઢાળમા ઘટના બની

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. ૨૯ જસદણ-વિછીયા રોડ ઉપર હિંગોળગઢના ઢાળમાં ગત રાત્રિના કેટરર્સનું કામ પૂરું કરી પરત આવતા જસદણના બહેનોને પાછળથી કાર ચાલકે હડફેટે લેતા બે મહિલાના મોત થયા હતા એકને ગંભીર ઈજા થઈ છે જ્યારે બીજા ૧૧ બહેનો ઘાયલ થયા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે જસદણના ૧૫ જેટલા બહેનો અને યુવતીઓ જસદણથી ૨૫ કિલોમીટર દૂર આવેલા વિંછીયા ગામે ભોજન સમારંભ હોય બધા બહેનો વીંછીયા કામે ગયા હતા.
રાત્રે ભોજન સમારંભ પૂર્ણ થયા બાદ કેટરસમાં કામ કરતા આ બધા બહેનો છકડો રિક્ષામાં જસદણ પરત આવતા હતા.
જસદણ વિછીયા રોડ ઉપર આવેલ હિંગોળગઢના ઢાળ પાસે રીક્ષા પહોંચતા રીક્ષા ચાલકે બધા બહેનો રીક્ષામાં બેઠા હોય તો ઢાળ ન ચડે એ માટે બધાને નીચે ઉતારી અને ચાલીને ઢાળ ક્રોસ કરવા જણાવ્યું હતું.
બધા બહેનો નીચે ઉતરી હિંંગોળઞઢનો ઢાળ ચડતા હતા તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે ચાલીને જતી આ મહિલાઓને પાછળથી હડફેટે લેતા શાંતુબેન અશોકભાઈ ગોહિલ ઉં.વર્ષ ૫૨ અને રૂપાબેન જેન્તીદાસ ગોંડલીયા ઉં.વર્ષ ૪૦ નું મોત થયું હતું.
રાત્રે ૧૧-૩૦ વાગે બનેલી આ ઘટના થી ઈઝા ગ્રસ્ત મહિલાઓના ચીચ્યારીથી વાતાવરણ ગજવી દીધું હતું આ દરમિયાન ઇંગોળગઢ ગામના લોકો અને પસાર થતા વાહન ચાલકોએ બચાવ કામગીરી હાથ ધરી ઈઝા ગ્રસ્તોને જસદણ હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ બનાવમાં ઇન્દુબેન રમેશભાઈ બાવળીયા ને ગંભીર ઈજા હોય તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બાકીના તમામ ઇજાગ્રસ્તોને બહેનો જેમાં કાવ્યાબેન વિપુલભાઈ ભેંસજાળીયા,અનન્યા રણજીતભાઈ જમોડ,પૂજાબેન શૈલેષભાઈ પરમાર,વૈશાલીબેન શૈલેષભાઈ પરમાર, ધારાબેન રમેશભાઈ બાવળીયા,હસ્તીબેન સંજયભાઈ બાવળીયા, શાંતુબેન શૈલેષભાઈ પરમાર અને સમજુબેન ગોહિલનો સમાવેશ થાય છે.
ઈજાગ્રસ્ત બહેનોને જસદણ સિવિલ હોસ્પિટલ માં ૧૦૮ અને બીજા વાહનો દ્વારા લાવવામાં આવ્યા હતા તમામ બહેનો મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હોય પરિવારજનોમાં પણ દુઃખની લાગણી છવાઈ ગઈ છે.
આ બનાવ બાદ વિંછીયા પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ઞુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
