<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

કુવાડવા જીઆઇડીસીમાં મુળ મહેસાણાના સિધ્‍ધરાજસિંહ ઝાલાનો ફાંસો ખાઇ આપઘાત

ગળાફાંસો ખાઇ લીધોઃ દિકરીની સગાઇ બાબતે પત્‍નિ સાથે કલેશ હોઇ પગલુ ભર્યાની શક્‍યતાઃ પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૯: કુવાડવા જીઆઇડીસીમાં રહેતાં ૪૦ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મુળ મહેસાણાના વતની યુવાને ગૃહકલેશને કારણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા જીઆઇડીસીમાં એસ્‍સાર હાઇપર માર્ટની સામે રહેતાં સિધ્‍ધરાજસિંહ વાઘુભા ઝાલા (ઉ.વ.૪૦) નામના યુવાને ઘરે પંખાના હુકમાં દરોડુ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ એમ. એમ. અજાગ્‍યાએ ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને કુવાડવા આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનારા સિધ્‍ધરાજસિંહ મુળ મહેસાણાના રૂપપરા ગામના વતની હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેઓ બારેક વર્ષથી કુવાડવા જીઆઇડીસીમાં પત્‍નિ પરિવાર સાથે રહેતાં હતાં. સંતાનો બનાસકાંઠામાં સસરાના ઘરે રહી અભ્‍યાસ કરે છે. કેટલાક સમયથી પતિ-પત્‍નિ વચ્‍ચે દિકરીની સગાઇ બાબતે વાતચીત દરમિયાન બોલાચાલી થતી હોઇ આ કારણે કંકાસ ઉભો થયો હતો. જેથી કંટાળીને તેમણે આ પગલુ ભરી લીધાની શક્‍યતા છે.

(12:12 PM IST)