<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

જામનગર જિલ્લાના ​રાવલસર ગામે અદ્યતન આંગણવાડી ભવનનું લોકાર્પણ કરતા ​ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી : પાયાના સ્તરે સારું શિક્ષણ અને પૂરતું પોષણ મળી રહે તે સરકારની પ્રાથમિકતા : રાઘવજીભાઈ પટેલ

આ આંગણવાડી ભવનમાં બાળકો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ જે તેમને રમતાં-રમતાં શીખવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરશે : આ લોકાર્પણથી રાવલસર ગામના લોકોમાં ભારે હર્ષ અને સંતોષની લાગણી જોવા મળી

​(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯ : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી  રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાના રાવલસર ગામે નવનિર્મિત આંગણવાડી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે મંત્રી  રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાળકો એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. તેમને પાયાના સ્તરે સારું શિક્ષણ અને પૂરતું પોષણ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે. રાવલસર ગામનું આ નવું આંગણવાડી ભવન માત્ર ઈમારત નથી, પરંતુ તે ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.

​તેમણે ઉમેર્યું હતું કે, આ આંગણવાડી ભવનમાં બાળકો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જે તેમને રમતાં-રમતાં શીખવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરશે.

​આ લોકાર્પણથી રાવલસર ગામના લોકોમાં ભારે હર્ષ અને સંતોષની લાગણી જોવા મળી હતી. ગ્રામજનોએ આ અદ્યતન સુવિધા પૂરી પાડવા બદલ રાજ્ય સરકાર અને મંત્રીશ્રીનો આભાર માન્યો હતો.

​લોકાર્પણ બાદ મંત્રીશ્રીએ આંગણવાડી ભવનની મુલાકાત લીધી હતી અને બાળકો સાથે વાતચીત કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

​આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન  મુકુંદભાઈ સભાયા તેમજ અગ્રણીઓ  કુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ભટ્ટી, વિસ્તારના સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:33 PM IST)