News of Monday, 29th September 2025
ઉપલેટા શહેરમાં ૨ ઇંચ વરસાદથી વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું
વર્ષો જૂનું મકાન ધરાશાયીઃઘટનાની જાણ થતાં જ ઉપલેટા વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા

રાજકોટ,તા.૨૯
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગઈ કાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગઈ કાલે રાત્રે ઉપલેટા પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. માત્ર થોડા સમયમાં જ શહેરમાં ૨ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું.
આ ધોધમાર વરસાદને કારણે શહેરના એક વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું અને બંધ મકાન આજે વહેલી સવારે ધડામ દઈને તૂટી પડ્યું હતું. વરસાદના પાણીના સતત પ્રવાહ અને ભેજને કારણે મકાનની છત અને કાટમાળ એકાએક ધરાશાયી થઈ ગયા હતા. સદનસીબે, આ મકાન લાંબા સમયથી બંધ હાલતમાં હતું અને તેમાં કોઈ રહેતું નહોતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જો આ ઘટના દિવસ દરમિયાન કે મકાનમાં અવરજવરના સમયે બની હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
ઘટનાની જાણ થતાં જ ઉપલેટા વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમાં ઉપલેટા મામલતદાર, ચીફ ઓફિસર, પીઆઇ (પોલીસ ઇન્સ્પેક્ટર) સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ સ્થળ પર પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી શરૃ કરાવી હતી અને શહેરના અન્ય જર્જરિત મકાનોની તપાસ કરવા માટે સૂચનાઓ આપી હતી. આ ઘટનાએ ફરી એકવાર લોકોને જૂના અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અને ચોમાસા પહેલા તેનું સમારકામ કરાવી લેવાની તાકીદ કરી છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
