News of Monday, 29th September 2025
શેત્રુંજી ડેમ ૭મી વખત ઓવરફ્લો, ડેમના ૩૦ દરવાજા ખોલવામાં આવ્યા
શેત્રુંજી નદીના પટમાં પાણીનું સ્તર વધી ગયું :ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતાં ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે

ભાવનગર,તા.૨૯
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થતાં જિલ્લાવાસીઓ અને ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતાં ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે.
ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેતા, વહીવટી તંત્ર દ્વારા ડેમનું લેવલ જાળવી રાખવા માટે પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં શેત્રુંજી ડેમમાં ૨૭૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીના આ પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના તમામ ૩૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમનું પાણી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. રાત્રિ દરમિયાન જ ડેમના તમામ દરવાજા ખોલી નાખવાનો નિર્ણય લેવાયો હતો.
ડેમમાંથી પાણી છોડવાના કારણે શેત્રુંજી નદીના પટમાં પાણીનું સ્તર વધી ગયું છે. આથી, નદીના કાંઠા વિસ્તારના ૧૭ ગામોને એલર્ટ મેસેજ જાહેર કરાયો છે. આ ૧૭ ગામોમાં પાલીતાણા તાલુકાના ૫ ગામો અને તળાજા તાલુકાના ૧૨ ગામોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ તમામ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.
નીચાણવાળા વિસ્તારોના લોકોને પણ સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે.ડેમ ઓવરફ્લો થવાના કારણે સમગ્ર જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા હળવી થતાં ખુશીનો માહોલ છે
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
