News of Monday, 29th September 2025
હાઇવે હોટલો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
એક્સપાયરી ડેટનું પનીર ઝડપાયું:મીઠાઇ -ફરસાણાની દુકાનો પર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મામલતદાર ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે

સુરેન્દ્રનગર,તા.૨૯
સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (FDA) અને મામલતદાર ટીમ દ્વારા હાઇવે પર આવેલી હોટલો, મીઠાઇની દુકાનો અને ફરસાણની દુકાનો પર વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ અચાનક હાથ ધરાયેલા ચેકિંગને કારણે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારા અને ગેરરીતિ આચરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.ચેકિંગ દરમિયાન લખતર આજુબાજુના હાઇવે પર આવેલી એક હોટલમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ હોટલમાંથી એક્સપાયરી ડેટ (મુદત વીતી ગયેલું) પનીર મોટી માત્રામાં મળી આવ્યું હતું. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ વસ્તુનો ટીમે સ્થળ પર જ નાશ કર્યો હતો.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મામલતદારની ટીમે લખતર અને તેની આજુબાજુના મીઠાઇ-ફરસાણ, ખાણીપીણી અને હાઇવે હોટલો પર સઘન ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન ટીમે ૩૫ નમૂનાઓ (સેમ્પલ) એકત્ર કર્યા હતા, જેમાં વિવિધ ખાદ્ય વસ્તુઓ અને તેલના નમૂનાઓનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓને પૃથક્કરણ (લેબોરેટરી ટેસ્ટ) માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. ટીમ દ્વારા માત્ર ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા જ નહીં, પરંતુ દુકાનો અને હોટલોમાં સાફ-સફાઈ અને એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ રાખવામાં આવે છે કે કેમ, તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તંત્રની આ કાર્યવાહીથી લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે સતર્કતા દાખવવામાં આવી છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
