<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

રીબડાના અમિત ખુંટ આપઘાત કેસમાં આરોપી અતાઉલ મણીયારના જામીન મંજુર

અનિરૂધ્‍ધસિંહ અને રાજદિપસિંહને ફસાવવા પોલીસે અતાઉલ મણીયાર ઉપર દબાણ કર્યાનો આક્ષેપ થયો હતો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૩૦: રીબડાનાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં સંડોવાયેલ મનાતા જુનાગઢ નાં અતાઉલ બદરુદિન મણીયાર ની અટક કરાયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો.જેના નવ દિવસ બાદ અતાઉલ નાં વકીલ દ્વારા જામીનમુક્‍તી માટે અત્રેની સેશન્‍સ કોર્ટ માં અરજી કરાતા કોર્ટે અતાઉલ નાં જામીન મંજુર કર્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ પંથકમાં ચકચાર જગાવનાર રીબડાનાં અમીત ખુંટ આપઘાત ઘટનામાં જેમના પર આરોપ છે તેવા પાંચ માસ થી નાશતા ફરતા અનિરુદ્ધસિંહ જાડેજા એ સરેન્‍ડર કર્યા બાદ નાટકીય ઢબે પોલીસે રાજકોટ યુનિવર્સીટી રોડ પર થી જુનાગઢનાં અતાઉલ બદરુદિન મણીયારની ધરપકડ કરી હતી.

પોલીસ સુત્રો અનુસાર અનિરુદ્ધસિંહે અમીત ખુંટને હનીટ્રેપમાં ફસાવવા છોકરીની વ્‍યવસ્‍થા  કરવા તેના પરીચીત અતાઉલને જણાવતા તેણે તેના ડ્રાઇવર રહીમ મકરાણી દ્વારા પુજા તથા સગીરાનો સંપર્ક કર્યો હતો. આમ અનિરુદ્ધસિંહ સહીતે કાવત્રુ કરી અમીત ખુંટને હનીટ્રેપમાં ફસાવ્‍યો હતો.

એલસીબીએ અતાઉલને ઝડપી તાલુકા પોલીસને સોંપતા તાલુકા પોલીસે તેનાં રીમાંન્‍ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા એક દિવસનાં રિમાન્‍ડ મંજુર કરાયા હતા. પોલીસે તેની પુછપરછ હાથ ધરી બાદમાં જેલહવાલે કરાયો હતો.

આ ઘટનાક્રમનાં નવ દિવસ બાદ અતાઉલ ને આજે સેશન્‍સ કોર્ટ દ્વારા રીબડાની હદ માં નહી પ્રવેશવા તથા સબંધિત પોલીસ સ્‍ટેશનમાં મહીનાની એક તથા પંદર તારીખે હાજરી પુરાવવા સહિતની શરતોએ જામીન મુક્‍ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે એ સમયે અતાઉલ નાં રીમાંન્‍ડ પુરા થયા બાદ કોર્ટમાં રજુ કરાતા તેણે અરજી આપી પોલીસે દબાણ પુર્વક અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહ નાં નામ ખોલાવ્‍યાં હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી હતી.

(11:47 AM IST)