<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

રક્ષામંત્રી રાજનાથસિંહ આવતીકાલથી બે દિ’ કચ્છમાં: દશેરાએ સરહદે સૈન્ય સાથે કરશે શસ્ત્ર પૂજન

કાલે સાંજે ભુજના મિલિટરી સ્ટેશનમાં વિવિધતા સાથે સૈનિકોની સંસ્કૃતિ દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ, બીજે દિ’ સૈન્યની વિવિધ પાંખોની સયુંક્ત કવાયત, શસ્ત્ર પૂજન

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : દેશના  સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલથી કચ્છના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ૧ અને ૨ ઓક્ટોબર દરમ્યાન કચ્છમાં રહેશે. રક્ષામંત્રી રાજનાથસિંહ આવતીકાલે બુધવારે સાંજે ભુજ પહોંચી આવશે. તેઓ સાંજે ૭/૩૦ થી ૯ વાગ્યા સુધી ભુજના મિલિટરી સ્ટેશનમાં સૈન્ય દ્વારા આયોજિત વિવિધતા અને સૈનિકોની સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમનું રાત્રિ રોકાણ કચ્છમાં રહેશે. જ્યારે બીજે દિવસે ૨ ઓક્ટોબર ગુરુવારે વિજયાદશમીના દિવસે તેઓ કચ્છની ક્રિક સરહદે લક્કી નાળા પહોંચશે. દેશની પશ્ચિમી સરહદે પાકિસ્તાનને જોડતી સંવેદનશીલ મનાતી દરિયા અને ક્રિકને જોડતી લક્કી નાળા સરહદે તેઓ કચ્છ સરહદે ફરજ બજાવતા સૈન્યના વિવિધ પાંખોના સૈનિકોની સયુંક્ત કવાયત નિહાળી અને શસ્ત્ર પૂજા કરશે. તેઓ સૈનિકો સાથે વિશેષ સંવાદ સાધશે. રક્ષામંત્રીનું આગમન સૈન્યના જવાનોના જુસ્સાને બુલંદ બનાવશે.

(8:08 PM IST)