<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

કચ્છના રાપરમાં ઘુમ્યો સિંદૂરિયો ગરબો: દીકરીઓએ લીધા ભારતીય સેનાના શૌર્યના ઓવારણા

રાપર શહેર ના માલીચોક ખાતે માલી સમાજ દ્વારા નવરાત્રિની પરંપરાગત ઉજવણી : પ્રાચીન રાસ-ગરબાની રમઝટ : 'ઓપરેશન સિંદૂર'ની દેશભક્તિ વીડિયો ક્લિપનું પ્રદર્શન કરાતા સમગ્ર માલીચોક દેશભક્તિના રંગે રંગાઈ ગયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ ;  નવરાત્રીના અંતિમ દિવસે કચ્છના રાપરમાં સિંદૂરિયા ગરબાએ રંગત જમાવી હતી. ગરબે ઘૂમતી દીકરીઓએ ભારતીય સૈન્યના શૌર્યના ઓવારણા લીધા હતા. 

રાપર શહેર ના માલીચોક ખાતે માલી સમાજ દ્વારા નવરાત્રિની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાચીન રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી અને 'ઓપરેશન સિંદૂર'ની દેશભક્તિ વીડિયો ક્લિપનું પ્રદર્શન પણ કરાયું હતું, જેનાથી સમગ્ર માલીચોક દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો.

ઉજવણીના ભાગરૂપે, બાલિકાઓએ પરંપરાગત પોશાકમાં પ્રાચીન રાસ-ગરબા રજૂ કર્યા હતા. પાંચ વર્ષની નાની બાળાઓ પણ ઉત્સાહભેર ગરબે ઘૂમી હતી.  માલી સમાજ ના આગેવાનોએ બાળાઓને પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર રાપર શહેરનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ઉપરાંત, 'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા દર્શાવતી વીડિયો ક્લિપ પ્રદર્શિત કરવામાં આવી 

હતી. આ ક્લિપ જોઈને લોકો દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા અને સીમા પર તૈનાત વીર જવાનોને કારણે આપણે કેટલા સુરક્ષિત છીએ તેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. રાપર મામલતદાર એચ.વી. વાઘેલા તથા તેમના સ્ટાફ તેમજ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર તરુણદાન ગઢવી એ આ ક્લિપની છણાવટ કરી હતી.

સમગ્ર આયોજન માલી સમાજના  પ્રમુખ દિનેશ  માલી, મંત્રી અરવિંદ માલી, મહિલા મંડળના પ્રમુખ સ્મિતલબેન સુરેશભાઈ માલી, મંત્રી દીપાબેન નરેન્દ્રભાઈ માલી, યુવક મંડળના હાર્દિક નવીનભાઈ માલી અને મંત્રી અલ્પેશ વાલજીભાઈ માલી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાપર નગરપાલિકાના પ્રમુખ, ચાર ચોવીસી માલી સમાજના પ્રમુખ રતનશી ગોપાલભાઈ માલી, ગુજરાત માલી ફેડરેશનના પ્રમુખ નાનજી ખીમજીભાઈ માલી, મામલતદાર કચેરીનો સ્ટાફ, પોલીસ વિભાગના જવાનો તેમજ માલી સમાજના હોદ્દેદારો, યુવક મંડળ અને મહિલા મંડળના સભ્યો તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓપરેશન સિંદૂર નો  વીડિયો  મોટી સ્ક્રીન પર બતાવવા માટે ની વ્યવસ્થા ગોઠવવા માટે માલી સમાજના અગ્રણી કાંતિભાઇ માલી અને મુન્નાભાઈ માલીએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર)

(9:05 AM IST)