<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

બેટ દ્વારકાની પવિત્ર ભુમિ પર પૂ.ભાઇશ્રીની કથા, ધર્મપ્રેમીઓનો ઉત્‍સાહ ચરમ સીમાએ

૮મી ઓક્‍ટોબર થી ૧૪ સુધી મુસ્‍કતના વતન પ્રેમી દાતા નેણસી પરિવાર દ્વારા ભક્‍તિ સાથે આરોગ્‍યલક્ષી સેવાઓનો અનોખો સંગમ રચાશે : સલ્‍તનત ઓફ ઓમાનના રાજા અત્‍યંત નજીકના અશ્વિનભાઇ નેણશી પરિવારના સહયોગથી ભજન સાથે હજારો લોકો માટે ભોજન સહિતની વ્‍યવસ્‍થા, બિપિનભાઇ ભટ્ટ દ્વારા તડામાર તૈયારીઓ : હનુમાન દાંડી ખાતે ભાઇશ્રીનો ઉતારો.. સમગ્ર ઓખા મંડળમાં ખુશીની લહેર, બેટ લોહાણા મહાજન વાડી ખાતે મેડિકલ કેમ્‍પ

ઓખા-દ્વારકા, તા. ૦૧: બેટ દ્વારકાની પાવન ભૂમિ પર પૂજ્‍ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસ્‍થાને શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ કથાનું ભવ્‍ય આયોજન થવા જઈ રહ્યું છે.

આ કથા તા. ૮ થી ૧૪ ઓક્‍ટોબર ૨૦૨૫ દરમિયાન દરરોજ સવારે ૯:૩૦ થી બપોરે ૧:૦૦ વાગ્‍યા સુધી નાગનાથ મેદાન, દ્વારકાનાથ મંદિર પાસે, બેટ દ્વારકા ખાતે યોજાશે.

કથા પૂર્ણ થયા બાદ દરરોજ અંદાજિત ૫ હજારથી વધુ ભક્‍તો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આ કથાનું આયોજન મસ્‍કત (ઓમાન) નિવાસી વતનપ્રેમી દાતા કચ્‍છી ગુજરાતી પરિવાર અશ્વિનભાઇ ધર્મશી નેણશી પરિવાર છે.

અશ્વિનભાઇ ધર્મશી નેણશી, હરિદાસ નેણશી પરિવાર (સલ્‍તનત ઓફ ઓમાન), વર્ષોથી ઓમાનના રાજ પરિવાર સાથે નજીકના સંબંધો ધરાવે છે.

કાબૂસ બિન સાઈદ તથા હાલના ઓમાનના સુલ્‍તાન (રાજા) હૈતમ બિન તારિક સાથે પરિવારની ઊંડી નજીકતા રહી છે અને  રોયલ પેલેસ ઓફ ઓમાન ખાતે આ ગુજરાતી પરિવારની વફાદારી અને વિશ્વાસનું પ્રતિબિંબ વરસોથી પ્રતિષ્ઠિત રીતે રહ્યું છે.

બિપિનભાઇ ભટ્ટ અને હેમભા વાઢેર દ્વારા તડામાર તૈયારીઓ

કથાના ભવ્‍ય આયોજન માટે બેટ દ્વારકાના અગ્રણિ શ્રી હેમભા વાઢેર, બિપિનભાઇ ભટ્ટ તથા સમગ્ર ગામવાસીઓ ૧ મહિનાથી દિવસ-રાત એક કરીને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

સંકલન સમિતિમાં રવિ હેમભા વાઢેર, સંજયભાઇ તરૈયા, મયુરસિંહ યાદવ, બિપિનભાઇ સામાણી, સંજયભાઇ રાઠોડ, ઓમભાઇ તથા અન્‍ય સેવાભાવી સંસ્‍થાઓ કાર્યરત છે.

ફક્‍ત ધાર્મિક જ નહીં, આરોગ્‍યલક્ષી સેવાઓનું આયોજન

ભાગવત સપ્તાહ દરમ્‍યાન ફક્‍ત ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક અને આરોગ્‍યલક્ષી સેવાઓનું વિશાળ આયોજન પણ કરવામાં આવ્‍યું છે.

નિઃશુલ્‍ક આરોગ્‍ય કેમ્‍પો

તા. ૧૦-૧૦-૨૦૨૫ (શુક્રવાર): મોતીયાબિંદ ઓપરેશન - શિવાનંદ મિશન, વિરનગર, તા. ૧૧-૧૦-૨૦૨૫ (શનિવાર) સર્વરોગ નિદાન કેમ્‍પ - શ્રી રામ  હોસ્‍પિટલ, ગોંડલ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ - શ્રી રામ બ્‍લડ બેન્‍ક, પોરબંદર, તા. ૧૨-૧૦-૨૦૨૫ (રવિવાર): સર્વરોગ નિદાન કેમ્‍પ - ઓશવાલ આયુષ હોસ્‍પિટલ, જામનગર, તા. ૧૧-૧૨-૧૦-૨૦૨૫ (શનિ/રવિ): કેન્‍સર પ્રિવેન્‍શન અને વેક્‍સિનેશન કેમ્‍પ - કુંડલિયા કેન્‍સર ફાઉન્‍ડેશન, રાજકોટ

કેમ્‍પ માટે નિષ્‍ણાત

ડોક્‍ટરોની સેવા

 

કેમ્‍પમાં વિવિધ નિષ્‍ણાત ડોક્‍ટરો સેવા આપશે. ડો. ફાલ્‍ગુન ગોંડલિયા (બાળરોગ), ડો. ચાર્મી મોદી (જનરલ સર્જન), ડો. દિપક મિશ્રા (દાંત), ડો. જીતેન્‍દ્ર ઓઝા (આંખ), ડો. ચિરાગ ઠુમ્‍મર (ષાીરોગ એન્‍ડ લેપ્રોસ્‍કોપિક સર્જન), ડો. દિવ્‍યેશ લીંબાસીયા (ઓર્થોપેડિક એન્‍ડ જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ), ડો. હર્ષિદા પાલીવાલ (જનરલ ફિઝિશિયન), ડો. ચિરાગ જોષી (જનરલ પ્રેક્‍ટિશનર), ડો. ત્રિશાંત ચોટાઈ (ન્‍યુરોસર્જન), ડો. જયરામ પ્રજાપતિ (હૃદયરોગ નિષ્‍ણાત).

કેમ્‍પ સ્‍થળઃ લોહાણા મહાજન વાડી, દ્વારકાનાથ મંદિર પાસે, બેટ દ્વારકા

ભાઇશ્રીનો હનુમાન દાંડી

ખાતે ઉતારો

કથા દરમ્‍યાન પૂજ્‍ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા બેટ દ્વારકાના પવિત્ર સ્‍થાન હનુમાન દાંડી ખાતે ઉતારો. સાંજે ભાવિકો ભાઇશ્રીના દર્શનનો લાભ લઈ શકશે.

આયોજનને લઈ બેટ દ્વારકામાં જ નહીં પરંતુ સમગ્ર ઓખા મંડળમાં ખુશીની લહેર દોડી ગઈ છે. હજારો ભક્‍તો ઉત્‍સુકતાપૂર્વક આ કથાની રાહ જોઈ રહ્યા છે.

સંકલનઃ

આલાપ ભરતભાઇ બારાઇ (ઓખા)

વિનુભાઇ સામાણી,

દિપેશ સામાણી (દ્વારકા)

(11:14 AM IST)