News of Wednesday, 1st October 2025
પોરબંદર સાંદીપનિમાં પૂ. રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં નવરાત્રી અનુષ્ઠાનનો વિરામ
૪૪માં નવ દિવસીય શ્રીરામચરિત માનસ પઠન અનુષ્ઠાન સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાવિકો ઉમટયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧ : શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ - ૨૦૨૫ અંતર્ગત પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શારદીય નવરાત્રિ ઉત્સવ નિમિત્તે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી ચાલી રહેલા ૪૪મા નવ દિવસીય શ્રીરામચરિત માનસ પઠન અનુષ્ઠાનની મંગળવારે પુર્ણાહુતિ કરવામા આવી.
શ્રીરામ ચરિત માનસ પઠન અનુષ્ઠાનના પુર્ણાહુતિ સમયે પૂજ્ય ભાઈશ્રી દ્વારા આ વર્ષના અનુષ્ઠાનના મનોરથી તરીકે સેવા આપનાર શ્રી પ્રકાશભાઈ કેશવલાલ કનેરિયા તથા શ્રીમતી રંજનબેન કનેરિયા (યુ.કે.) નું શાલ દ્વારા તથા અભિવાદન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. વિશેષ ઉલ્લેખનીય છે કે શ્રી પ્રકાશભાઈ કનેરિયા તથા પરિવાર દ્વારા આ અગાઉ પણ નવરાત્રિ ઉત્સવમાં શ્રીરામ ચરિત માનસ પઠન અનુષ્ઠાનના મનોરથી તરીકે સેવા આપવામાં આવી છે. આ સમગ્ર અનુષ્ઠાનમાં સંપૂર્ણ નવ દિવસ વિદેશથી તેમજ દેશના વિવિધ શહેરોમાંથી તથા પોરબંદર વિસ્તારમાંથી ખુબજ મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા ઉપસ્થિત રહીને શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન કરવામાં આવ્યું. સાથે-સાથે યુ ટયુબના માધ્યમથી પણ દરરોજ હજારો લોકો શ્રીરામ ચરિત માનસ પઠન અનષ્ઠાનમાં જોડાયા હતા. અનુષ્ઠાન માટે આવેલા સૌ હરિભક્તોની રહેવાની તથા પ્રસાદની વ્યવસ્થા સાંદીપનિ દ્વારા કરવામાં આવી હતી.
દુર્ગાષ્ટમીના દિવસે ૧૧ કુમારિકાઓનું પૂજન
શ્રી રામચરિત માનસ અનુષ્ઠાનના પ્રારંભ પૂર્વે પૂજ્ય ભાઈશ્રી તથા કુમારિકા પૂજનના મનોરથી શ્રીમતી સોનાબેન દામાનીયા દ્વારા મહાદુર્ગાષ્ટમી નિમિત્તે ૧૧ કુમારિકાઓનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. સર્વે કુમારિકાઓને ભેટ આપવામાં આવી.
સાંદીપનિ યજ્ઞશાળામાં
દુર્ગાષ્ટમી યાગ
શારદીય નવરાત્રિ આજે આઠમાં નોરતે મહાગૌરીના આરાધના દિવસ હવનાષ્ટમીના પાવન અવસરે સાંદીપનિ યજ્ઞશાળામાં યજ્ઞસેના ટીમ દ્વારા સંપૂર્ણ વેદોક્ત શાષાોક્ત વિધિવિધાન સાથે દુર્ગાસપ્તશતીપાઠપૂર્વક હોમાત્મક યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો. જેમાં ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ દુર્ગાસપ્તશતીના શ્લોકો સાથે તેમજ વિવિધ દ્રવ્યો વડે માતાજીને આહુતિ આપવામાં આવી. પૂજ્ય ભાઈશ્રી શ્રીરામચરિત માનસપાઠના વિરામ અને આરતી પછી યજ્ઞની પૂર્ણાહુતિમાં ઉપસ્થિત રહ્યા અને પુર્ણાહુતિ હોમ તથા આરતી કરી હતી. પૂજ્ય ભાઈશ્રી એ દુર્ગાષ્ટમી યજ્ઞમાં જોડાયેલા સૌ યજમાનોને અને યજ્ઞસેનાના વિદ્વાન બ્રાહ્મણોને આશીર્વાદ આપ્યા હતા.
શ્રી હરિમંદિરમાં યોજાયા અન્નકૂટ મનોરથના દર્શન
પૂજ્ય ભાઇશ્રીના સાન્નિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ચાલી રહેલા ૪૪ મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત દુર્ગાષ્ટમીના દિવસે શ્રીહરિ મંદિરમાં વિશેષ કરીને કરુણામયી મા સહિત હરિમંદિરમાં સ્થાપિત સર્વે વિગ્રહોને અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. સાંજે ૭ વાગ્યે અન્નકુટ આરતી સંપન્ન થઇ. અન્નકૂટ મનોરથ દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો. (તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
