<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

આટકોટ-રાજકોટ વચ્‍ચે ખાડાવાળો રોડ કેટલાનો ભોગ લેશે?

અત્‍યંત ખાડા વાળો રોડ રોજે-રોજ અકસ્‍માત નોતરે છેઃ અનેક વખત રજૂઆતો અને આંદોલનો થયા હોવા છતાં પરિણામ શૂન્‍યઃ તાત્‍કાલિક રોડની મરામત જરૂરી

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨: રાજકોટ ભાવનગર રોડ ઉપર રાજકોટ થી આટકોટ સુધી હાઇવે રોડ ઉપર ઠેક ઠેકાણે મોટા મોટા ખાડા પડ્‍યા હોય રોજે રોજ અકસ્‍માતના બનાવો બને છે છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી.

રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર અનેક જગ્‍યા મસ મોટા ખાડા પડયા હોય રોજે રોજ અકસ્‍માતો અને નાના મોટા વાહનોમાં નુકશાની પણ થાય છે.

આ અંગે ત્રંબા, સરધાર, હલેન્‍ડા સહિતના ગામ લોકોએ રજૂઆતો અને આંદોલનનો કર્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી તંત્ર હવે કેટલો ભોગ માંગે છે તેવો પ્રશ્ન પ્રજા પૂછી રહી છે !

ગઈકાલે સાંજે આટકોટના કિરણભાઈ કડવાભાઈ ઝાપડિયા તેમના પત્‍ની ગીતાબેનને લઈ સંબંધીને ત્‍યાં છઠ્ઠીનો પ્રસંગ હોય સાત વાગ્‍યા આસપાસ પોતાનું બાઈક લઈ જતા હતા તે દરમિયાન બળધોઈ ગામના પાટીયા પાસે અચાનક ખાડો આવતા ગીતાબેન બાઈક ઉપરથી ફંગોળાઈ ગયા હતા તેમને પગમાં ફેક્‍ચર થયું હતું.

આ દરમિયાન પાછળ પોતાની કાર લઈને આવતા રાજકોટનાં એડવોકેટ બ્રિજ કોટક અને તેમના મિત્ર જયદીપ રંગપરીયા બંને રઘુવંશી યુવાનોએ ઇજાગ્રસ્‍ત ગીતાબેનને પોતાની કારમાં બેસાડી આટકોટની કે.ડી.પી. હોસ્‍પિટલમાં ખસેડી માનવતાનુ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.

આ રોડ ઉપર બાઈક ઉપરથી ફંગોળાઈ જવાના કે ખાડાના લીધે કાર ચાલકો અને મોટા વાહનો પણ રોજે રોજ અકસ્‍માતનો કે વાહનોમાં નુકસાન થવાનો ભોગ બને છે છતાં ખાડાઓ બુરવામાં આવતા નથી હા ખાલી આંદોલન સમયે પ્રજામાં સંદેશો દેવા થોડા ધણા પરંતુ ખાડામાં સામાન્‍ય બુરાણ કરી કાગળ ઉપર કામગીરી દેખાડવામાં આવે છે.

આ રોડ ઉપરથી રોજે રાજકારણીઓ, નેતાઓ, સરકારી અધિકારીઓ પસાર થતા હોવા છતાં યોગ્‍ય કાર્યવાહી ન થતી હોય પ્રજામાં ભારે રોસ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ અનેક વખત ગામ લોકોએ રજૂઆતો અને આંદોલનો કર્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું ત્‍યારે આ વિસ્‍તારની પ્રજા પૂછી રહી છે કે તંત્ર હજુ કેટલાનો ભોગ માંગે છે?(૬.પ)

(11:22 AM IST)