<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ધ્રોલ નજીક જામનગર હાઇવે પર હૃદયદ્રાવક ઘટના: અભ્યાસ અંગે પિતાએ આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા સુનીલ ડાંગરે બાવની નદીમાં ડૂબી જીવન ટૂંકાવ્યું : જુઓ વિડીયો

રોજીયા ગામના વતની 24 વર્ષીય યુવકના આપધાતથી નાના એવા ગામમાં અને ડાંગર પરિવારમાં અરેરાટી : મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રોલ હોસ્પિટલે ખસેડાયો

(સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ તા.૪ : ધ્રોલ જામનગર-રાજકોટ હાઈવે પર આવેલી ધ્રોલની બાવની નદીમાં શનિવારના રોજ સવારે એક કરુણ ઘટના સામે આવી છે. અભ્યાસ બાબતે પિતાના ઠપકાથી લાગી આવતા ૨૪ વર્ષીય સુનિલે નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. યુવાનનો મૃતદેહ તરતો જોતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોજીયા ગામના યુવાનનો મૃતદેહ મળ્યો

સ્થાનિક લોકોએ સવારના સમયે બાવની નદીના પાણીમાં એક યુવાનનો મૃતદેહ તરતો જોતા તુરંત જ પોલીસ અને ધ્રોલ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે દોડી આવીને મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક રોજીયા ગામના વતની સુનીલભાઇ વિક્રમભાઇ ડાંગર (ઉં.વ. ૨૪) હોવાનું જાણવા મળ્યું હતું

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, મૃતક સુનીલભાઇને તેમના પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો. આ ઠપકો સુનીલભાઇને મનમાં ખૂબ લાગી આવતા તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતકના સગાભાઈ પ્રવીણભાઇ વિક્રમભાઇ ડાંગરે પોલીસ સમક્ષ આ બાબતની જાહેર કરી હતી.

ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. હાલમાં ધ્રોલ પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. આ દુઃખદ બનાવને પગલે રોજીયા ગામ અને ડાંગર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

 

(1:13 PM IST)