<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

મામલતદાર ફરિયાદી બન્‍યા પણ કલેક્‍ટરના નામે બોગસ હુકમ કરનાર સરકારી કર્મચારી ઝડપાતો નથી !!

કચ્‍છમાં ચકચાર સર્જતો નકલી સરકારી ઓર્ડરનો મામલો, ગુજરાતભરમાં નકલીનો મુદ્દો ચર્ચાની એરણે

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪:  કચ્‍છમાં કલેક્‍ટર અને ચિટનીસ ના નામે નકલી ઓર્ડર કરનાર સરકારી ક્‍લાર્કની આગોતરા જામીન અરજી ભુજ કોર્ટે ફગાવી દીધી છે. આ સમગ્ર મામલો ચર્ચામાં છે એનું કારણ ખુદ ભુજ મામલતદાર અરૂણ શર્મા જાતે ફરિયાદી બન્‍યા છે. મામલતદારે ગત ૧૮ સપ્‍ટેમ્‍બરના રોજ ભુજ એ ડિવિઝન પોલીસમાં સરકારી કચેરીના મહેસૂલી ક્‍લાર્ક અનિલ ભીખાભાઈ કરેણ સામે બોગસ દસ્‍તાવેજો બનાવી ઠગાઈ કરવા સબબ ફોજદારી ફરિયાદ લખાવી હતી. છતાંયે ભુજના રતિયા ગામના જમીનની માપણી વધારા બાબતે ચિટનીસ તેમ જ કલેક્‍ટરના નામે નકલી આખરી હુકમ બનાવવાના કેસમાં સંડોવાયેલ રેવન્‍યુ ક્‍લાર્ક અનિલ કરેણ હજી ઝડપાયો નથી. આરોપી ક્‍લાર્ક અનિલ ભીખાભાઈ કરેણ હાલ અબડાસા મામલતદાર કચેરીમાં નોકરી કરે છે. ભુજના સાતમા અધિક સેશન્‍સ જજ એન.પી. રાડિયાએ આ ગુનાને આજીવન કેદની સજાને પાત્ર માની આરોપી કલાર્કની પ્રથમ દર્શનીય સંડોવણી ગણી આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ ડી.જે. ઠક્કરે દલીલો કરી હતી. ગુજરાતભરમાં નકલીનો મુદ્દો ચર્ચાની એરણે છે ત્‍યારે સરકારી તંત્રના નામે જ નકલી ઓર્ડર કરનાર સરકારી કર્મીને ઝડપાય નહીં એ હકીકત સરકારની પ્રતિષ્ઠા સામે પણ સવાલો ખડા કરે છે. 

(11:55 AM IST)