<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

મજૂરીથી માસ્તર સુધીની પ્રેરણાદાયી સફર : ટંકારાના નાનેરા ગામના દેવીપૂજક સમાજના બે 'કરમવીરો' સરકારી શિક્ષક બન્યા

નાની વયે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર રવજીભાઈ ચાવડા અને વિજયભાઈ વાઘેલાએ છૂટક મજૂરી કરીને શિક્ષણનો દીપક પ્રજ્વલિત રાખ્યો : એક દાયકાની રાહ બાદ વિદ્યા સહાયકની ભરતીમાં સફળતા મળતા દાહોદ ખાતે નિમણૂક

જયેશ ભટાસણા દ્વારા, ટંકારા, ૫ ઓક્ટોબર: ટંકારા તાલુકાના નાનેરા ગામ નેસડા (સુરજીના)ના બે યુવાનો, રવજીભાઈ ચાવડા અને વિજયભાઈ વાઘેલા,ની સફળતાની ગાથા સમગ્ર દેવીપૂજક સમાજ અને યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. નાની વયે એક ભાઈએ માતા અને બીજા ભાઈએ પિતા ગુમાવ્યા હોવા છતાં, મામા-ફઈના આ બંને ભાઈઓએ અથાક પરિશ્રમ અને અદમ્ય ઈચ્છાશક્તિના બળે સરકારી શિક્ષક બનવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.
સંઘર્ષમય શિક્ષણ યાત્રા:
રવજીભાઈએ બાળપણમાં માતા ગુમાવી હતી, જ્યારે વિજયના પિતાનું અવસાન થતાં તેઓ માતા સાથે માવતરે આવીને ફઈના ધાવણે મોટા થયા હતા. આર્થિક તંગી અને મર્યાદિત સાધનો હોવા છતાં, આ બંને યુવાનોએ છૂટક મજૂરી, માલઢોર ચરાવવા સહિતનાં વિવિધ કામો કરતાં કરતાં પોતાનો અભ્યાસ સરકારી શાળામાં ચાલુ રાખ્યો હતો. દેવીપૂજક સમાજમાં જ્યાં ઓછા યુવાનો ઉચ્ચ શિક્ષણ માટે જાય છે, ત્યાં ગામડામાં રહીને આ યુવાનોએ લાખોની ફી અને સગવડયુક્ત ટ્યુશન વગર મેળવેલી સફળતા એક આંખ ઉઘાડનારો કિસ્સો છે.
સફળતાનો સ્વાદ:
વર્ષ ૨૦૧૧ માં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ એક દાયકાની લાંબી રાહ જોયા પછી આવેલી વિદ્યા સહાયક ભરતીમાં આ બંને ભાઈઓએ ઉત્તીર્ણ થઈ સફળતા હાંસલ કરી છે. આજે તેમને દાહોદ ખાતે શિક્ષક તરીકે નિમણૂકનો ઓર્ડર મળતાં બંને ભાઈઓ આનંદથી ઝૂમી ઊઠ્યા હતા.
આ યુવાનોની સિદ્ધિએ તેમના પરિવાર, નાનેરા ગામ અને સમગ્ર દેવીપૂજક સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમની આ પ્રેરણાદાયી સફળતાએ સાબિત કર્યું છે કે સંઘર્ષ અને મહેનતથી કોઈપણ ધ્યેયને પ્રાપ્ત કરી શકાય છે. હાલમાં બંને ભાઈઓને તેમના મોબાઈલ નંબર ૮૮૬૬૪૨૯૩૦૩ ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

 

(3:45 PM IST)