News of Sunday, 5th October 2025
ધ્રોલ RSSના શતાબ્દી વર્ષે ભવ્ય વિજયાદશમી ઉત્સવ, શસ્ત્ર પૂજન અને પથ સંચલન યોજાયું : જુઓ વિડીયો
આ કાર્યક્રમમાં શસ્ત્ર પૂજન, પથ સંચલન અને વિવિધ શારીરિક પ્રયોગોનું પ્રાત્યેક્ષિક રજૂ કરાયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં સ્વયંસેવકો અને નગરજનો ઉમટી પડ્યા હતા

(સંજય ડાંગર ધ્રોલ) ધ્રોલ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ધ્રોલ નગર અને તાલુકા દ્વારા સંવત ૨૦૮૨ના વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ યોજાયેલા આ કાર્યક્રમમાં શસ્ત્ર પૂજન, પથ સંચલન અને વિવિધ શારીરિક પ્રયોગોનું પ્રાત્યેક્ષિક રજૂ કરાયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં સ્વયંસેવકો અને નગરજનો ઉમટી પડ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન રાજકોટ વિભાગના મા. સંઘચાલકજી શ્રી ડો. સંજીવભાઈ ઓઝાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. તેમણે જણાવ્યું કે ડૉ. કેશવરાવ બલીરામ હેડગેવારજીએ ૧૯૨૫માં ગુલામીના મૂળ કારણો દૂર કરવા માટે સંઘની સ્થાપના કરી હતી, અને આજે એક શાખાથી શરૂ થયેલો સંઘ લાખો ગામો સુધી પહોંચ્યો છે.
ડૉ. ઓઝાએ આધુનિક સમાજ માટેના મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો. તેમણે પર્યાવરણ સંરક્ષણ, નાગરિક કર્તવ્ય, સ્વદેશી અપનાવવા, સામાજિક સમરસતા અને કુટુંબ વ્યવસ્થાના દૃઢીકરણ પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી મહેશભાઈ સોરઠિયાએ પોતાના વક્તવ્યમાં RSS દ્વારા કરવામાં આવતા વિવિધ સેવાકીય કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં વ્યવહારિક સેવા અને બૌદ્ધિક સેવાનો સમાવેશ કરવો જોઈએ. વધુમાં, પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ વચ્ચે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા અને સોશિયલ મીડિયાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.
ભવ્ય પથ સંચલન અને શસ્ત્ર પૂજન
કાર્યક્રમના ભાગરૂપે ધ્રોલ નગરના મુખ્ય માર્ગો પર સ્વયંસેવકો દ્વારા શિસ્તબદ્ધ પથ સંચલન યોજાયું હતું, જેણે નગરજનોમાં ઉત્સાહ અને અનુશાસનનો સંદેશો ફેલાવ્યો હતો. આ ઉપરાંત શારીરિક વિષયના પ્રયોગોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત રહેલા સ્વયંસેવકો, આમંત્રિત મહેમાનો અને પ્રેક્ષકો સહિત સર્વે લોકોએ પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કર્યું હતું, જે હિન્દુ સમાજમાં વિજીગીશું જીવનધારાના પુનઃ નિર્માણ અને દૃઢતા માટે સંઘની કટિબદ્ધતાને દર્શાવે છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
