<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

કેશોદના કોયલાણામાં મોર્નિંગ વોકમાં નીકળેલા પૃથ્‍વીરાજસિંહ રાયજાદાનું ‘હિટ એન્‍ડ રન'માં મોત

રાજકોટ રહી નોકરી કરતાં ૨૪ વર્ષના યુવાન નોરતા કરવા વતન ગયા ત્‍યારે બનાવઃ સારવાર દરમિયાન રાજકોટ હોસ્‍પિટલ દમ તોડતાં પરિવારમાં ગમગીની

 

રાજકોટ તા. ૬: કેશોદના કોયલાણા ગામે મોર્નિંગ વોકમાં નીકળેલા યુવાનને અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્‍યુ થયું છે. હિટ એન્‍ડ રનના આ બનાવમાં કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃત્‍યુ પામનાર યુવાન રાજકોટ રહી નોકરી કરતાં હતાં. નોરતા-નવરાત્રી નિમીતે તે વતનમાં દર્શન કરવા ગયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટ રૂમ રાખીને રહેતાં અને ફેક્‍ટરીમાં નોકરી કરતાં કેશોદના કોયલાણાના પૃથ્‍વીરાજસિંહ મહેન્‍દ્રસિંહ રાયજાદા (ઉ.વ.૨૪) ગત ૨૪/૯ના સવારે પાંચેક વાગ્‍યે ગામમાં મોર્નિંગ વોકમાં નીકળ્‍યા ત્‍યારે કોઇ અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં કેશોદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ કેશોદ પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર પૃથ્‍વીરાજસિંહ  રાયજાદા એક ભાઇ અને એક બહેનમાં નાના અને પરિવારનો આધારસ્‍તંભ હતાં. તે અપરિણીત હતાં. પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે. (૧૪.૬)

(1:43 PM IST)