<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

પોરબંદરના બરડા પંથકમાં ખેતીવાડી વીજ જોડાણોના વાયરો બદલીને ‘કોટેડ' કરાશે : અર્જુનભાઇ મોઢવાડીયા

વાડી વિસ્‍તારમાં રહેતા ખેડુત પરિવારો માટે વારંવાર વીજ ધાંધીયા ભુતકાળ બની જશે : નવા કોટેડ વીજ વાયરો નાખવાની કામગીરીના ટેન્‍ડરો મંજુર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૬ : જિલ્લાના બરડા વિસ્‍તાર વાડીઓમાં રહેતા ખેડુતોને સતત વિના વિઘ્‍ને વીજ પુરવઠો મળી રહે તે માટે ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયાની રજુઆત બાદ રાજ્‍ય સરકારે બરડા વિસ્‍તારના ૧૧ કે.વી લાઈનના ૧૭ ફીડરોના ૮૯૦ કી.મી લંબાઈના ખેતીવાડી વીજ કનેકશનોના એલ્‍યુમીનીયમ કેબલની જગ્‍યાએ એમ.વી.સી.સી કોટેડ કેબલ લગાવવાના કામને રૂ.૯૦ કરોડના ખર્ચે મંજુરી આપી છે.

ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું કે પોરબંદર જિલ્લાના બરડા વિસ્‍તાર દરિયાકિનારે આવેલો છે. આ વિસ્‍તારમાં ખેડુતો મોટેભાગે વાડી વિસ્‍તારમાં નિવાસ કરે છે. દરિયાની ખારાશને કારણે એલ્‍યુમસનીયમ ફીડરો વારંવાર ખવાઈ જતાં ખાસ કરીને જયારે ખેતીવાડીનો વધારે લોડ હોય ત્‍યારે વીજ પુરવઠામાં વારંવાર વિક્ષેપો સર્જાય છે. કાયમી સમસ્‍યા નિવારવા માટે તબકકાવાર એલ્‍યુમીનીયમ કંડકટર વાયરો બદલીને તેની ઝગયાએ એમ.વી.સી.સી કોટેડ કેબલ લગાડવા માટે  ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજુઆત કરી હતી. કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ પણ પી.જી.વી.સી.એલના અધિકારીઓને પોરબંદર ખાતે બોલાવીને સુચના આપી હતી,

ખાસ કિસ્‍સામાં નિર્ણય લઈને બરડા વિસ્‍તારના ૧૧ કે.વી ના બગવદર અને મજીવાણા સબ ડીવીઝનના ૭ ફીડરો, કોસ્‍ટલ સબ ડીવીઝનના ૧૦ ફીડર સહિત ૧૭ ફીડરના ૮૯૦ કી.મી લંબાઈના એલ્‍યુમીનીયમ વીજ વાયરો બદલીને એમ.વી.સી.સી કોટેડ કેબલ લગાડવામાં આવશે. આ કોટેડ કેબલથી વારંવાર ફોલ્‍ટ નિવારી શકાશે. અને વિના વિઘ્‍ને સતત વીજ પુરવઠો મળતો રહેશે તેમ અર્જુનભાઇએ જણાવેલ છે.

અગાઉ પોરબંદર જિલ્લામાં ગ્રામ્‍ય વિસ્‍તારની જયોતી ગ્રામ યોજનામાં એલ્‍યુમીનીયમ ફીકરો બદલીને એમ.વી.સી.સી કોટેડ કેબલ રૂ.૯૦ કરોડના ખર્ચે બદલવામાં આવતા જયોતિ ગ્રામ યોજના હેઠળના ૧૯ ગામના ગ્રાહકોને વીજ પુરવઠાની ગુણવતામાં મોટો સુધારો થયો છે.

અગાઉ ગ્રામ્‍ય વિસ્‍તારના ખેડુતોને રાતના સમયે પણ વીજ પુરવઠો અપાતો હતો તેના કારણે ખેડુતોને રાત્રે અંધારામાં ઉજાગરા કરીને પાણી વાળવા જવું પડતું હતું. પરંતુ ભુપેન્‍દ્રભાઈ પટેલની ભાજપ સરકારે દિવસના ભાગે ૮ થી ૧૦ કલાક વીજ પુરવઠો આપીને ખેડુતોની મોટી તકલીફ દુર કરી હતી. હવે દરિયાકિનારાના બરડા વિસ્‍તારમાં એલ્‍યુમીનીયમ વીજ વાયરોની જગ્‍યાએ એમ.વી.સી.સી કોટેડ કેબલ લગાવતાં વીજ પુરવઠાની ગુણવતામાં મોટો સુધારો થશે તેમ અર્જુનભાઇએ માહિતી આપતા જણાવ્‍યું છે. 

(12:14 PM IST)