<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

બગસરા પંથકમાં અવિરત વરસાદ વરસતા ખેતીના પાકોને વ્‍યાપક નૂકસાન

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૭: બગસરા પંથકમાં હાલમાં વર્ષી રહેલ વરસાદ ના લીધે ખેડૂતો ની હાલત અતિ દયનિય થઇ ગઈ છે કુદરતે હાથમા દીધેલ કોળિયો છીનવી લીધો હોઈ તેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે. કુલ ૩૦૦૫૩ હેકટર જમીનમાં અલગ અલગ વાવેતર કરવામાં આવેલ છે. જેમાં મગફળી ૧૨૬૭૬ હેક્‍ટરમાં તેમજ કપાસનું ૯૭૦૭ હેકટરમાં તેમજ ડુંગળી ૧૦૨ હેકટરમાં વાવેતર કરવામાં આવેલ છે. સીઝનનો કુલ વરસાદ ૬૧૪ મિમી પડેલો છે. હાલમાં છેલ્લા ૬ દિવસથી ધીમી ધારે વરસાદ પડતાં તમામ પાકમાં નુકસાની થયેલ છે.

ખેડૂતોએ પોતાની વ્‍યથા વ્‍યક્‍ત કરેલી છે. જેમાં મગફળીના પાથરા પલળી ગયા જેનાથી મગફળીમાં ભારે નુકસાની તેમજ પશુઓ માટે પાલો પણ બગડી ગયો તેમજ મગફળીના ઉભા પાકમાં પણ સુકારો નામનો રોગ આવતા છોડ વધુ પાણીથી સુકાય ગયેલા છે તેમજ કપાસ ઢળી પડ્‍યા અને છોડ સુકાવા લાગ્‍યા છે તેમજ ફૂલ ખરી પડ્‍યા તેવીજ રીતે ડુંગળીના પાકમાં વધુ વરસાદથી બાફિયા નામનો રોગ આવતા વળદ્ધિ થઈ નહિ આમ તમામ પાકમાં એક ધારો વરસાદ પડતા વ્‍યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્‍યો છે. ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ અને ખાતર તેમજ મજૂરીનો ખર્ચ કરેલ જેમાં આવી સ્‍થિતિ થતા ખેડુતો સરકાર પાસે સહકારની અપેક્ષા સાથે તાત્‍કાલીક સર્વ કરી અને રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવેલ છે.

(11:23 AM IST)