તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૫, રવિવાર
News of Tuesday, 7th October 2025
ભાવનગરના નેસડા ગામ નજીક પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સાડા પાંચ લાખનો દારૂ ભરેલી કાર કબજે કરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૭: વલભીપુર હાઈવે પર આવેલ નેસડા ગામ પાસેથી એલસીબી તેમજ સિહોર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લઈ કુલ રૂ.૧૫.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે કારનો પીછો કરતા કાર ચાલક રોડ સાઈડમાં કાર મુકીને ફરાર થઈ ગયો હતો.
એલસીબી પોલીસ ગત રાત્રિના સમયે વરતેજ પાસેની રંગોલી ચોકડી પર પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વલભીપુર તરફથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી એક કાર ભાવનગર તરફ આવી રહી છે. આ બાતમીના આધારે વોચમાં રહેતા વલભીપુર તરફથી આવી રહેલ હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા કાર નં.જી.જે.૧૮ ઈએફ ૦૦૭૫ કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોતાની કાર રિવર્સમાં લઈને વલભીપુર તરફ હંકારી મૂકી હતી. એલસીબી પોલીસે ઘાંઘળી રોડ પર પેટ્રોલિંગ કરી રહેલી સિહોર પોલીસને જાણ કરતા સિહોર પોલીસે રોડ પર વાહનોની આડશ ઊભી કરી નાકાબંધી કરતા કાર ચાલક પોતાની કાર ભાવનગર તરફ હંકારી મૂકતા સિહોર પોલીસે કારનો પીછો કર્યો હતો. બંને તરફથી પોલીસે આવી રહી હોય કાર ચાલક પોતાની કાર નેસડા ગામ પાસે આવેલ નાળા નજીક મૂકી ફરાર થઈ ગયો હતો.
પોલીસે કાર કબજે કરી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની ૧૫૨૬ બોટલ ( કિં.રૂ.૫,૬૫,૭૦૦/-) મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ.૧૫,૬૫,૭૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ફરાર થઈ ગયેલ કાર ચાલક વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
