News of Wednesday, 8th October 2025
ચોટીલા દર્શને જવા નીકળેલા ખંભાળીયાના રમેશભાઇ ચોપડાનું રાજકોટમાં મૃત્યુ
સિવિલ હોસ્પિટલની ઓપીડી નજીક બેભાન થઇ ગયા બાદ દમ તોડયો

રાજકોટ તા. ૮: ખંભાળીયામાં સતવારા સમાજની વાડી પાસે કુંભાડીયામાં રહેતાં રમેશભાઇ હીરાભાઇ ચોપડા (ઉ.વ.૫૦) સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ઓપીડી સામે કેન્ટીન નજીક બેભાન થઇ જતાં ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ અજાણ્યા પુરૂષ ઓપીડી નજીક બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાતાં તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મૃતક પાસેથી મળેલા ફોન નંબરને આધારે તપાસ કરતાં મૃતકના રાજકોટ રહેતાં સગા આવ્યા હતાં અને મૃતદેહની ઓળખ કરી હતી. રમેશભાઇ ખેત મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ચાર ભાઇમાં ત્રીજા હતાં અને સંતાનમાં ત્રણ પુત્રી તથા એક પુત્ર છે.
રમેશભાઇ ચોટીલા દર્શન કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતાં. બાદમાં રાજકોટ પહોંચ્યા ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે કેન્ટીન નજીક નાસ્તો કરવા આવતાં અથવા તો તબીયત બગડતાં સારવાર માટે આવ્યા હતાં. અહિ એકાએક બેભાન થઇ ઢળી પડયા બાદ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાની શંકા દર્શાવાઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
