News of Wednesday, 8th October 2025
ચડ્ડી બનિયાનધારી ગબી ગેંગના ૭ દિવસ ના રિમાન્ડ: કચ્છ ઉપરાંત અમદાવાદ, સાણંદ, ખેડામાં ઘરફોડ ચોરીના ૨૬ ગુના
કચ્છમાં ૧૦ ગુના, માસ્ટર માઇન્ડ સાળો બનેવી ગોપાલ ઉર્ફે ગબી અને બાબુ બંનેને ઝડપવાના બાકી : સરકારી કે ખાનગી બસોમાં બેસીને પહેલા સામખિયાળી જેવા સેન્ટરમાં ઊતરતા ત્યાંથી ગેંગના સભ્યો જુદી-જુદી દિશાઓમાં નીકળી જતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ એન એન ચુડાસમા રાપર પીઆઇ જે.બી.બુબડીયા પીએસઆઇ ડી.જી.પટેલ સહિત ની એલસીબી અને રાપર પોલીસ ની ટીમે પૂર્વ કચ્છમાં તરખાટ મચાવનાર ચડ્ડી, બુકાનીધારી ગબી ગેંગના બે સાગરિતને પોલીસે પકડી પાડયા હતા.
આ ટોળકીએ પૂર્વ કચ્છમાં દશેક ઘરફોડ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પૂર્વ કચ્છના વાગડ પંથકના મુખ્ય મથક રાપરમાં અગાઉ ચડ્ડી- બુકાનીધારી ગેંગ સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ટોળકીએ જુદા- જુદા વિસ્તારોના બંધ મકાનોમાંથી મોટો હાથ માર્યો હતો. આ ટોળકીએ પૂર્વ કચ્છ પોલીસને રીતસર દોડાવ્યા હતા, પરંતુ હાથમાં આવતી નહોતી. દરમ્યાન આ પ્રકરણમાં ગબી ગેંગ સંડોવાયેલ હોવાનું તથા તેના બે સાગરિત ટંકારા તાલુકાના હડમતિયા ખાતે હોવાની પૂર્વ બાતમીના આધારે એક ટીમ ત્યાં ગઇ હતી અને ત્યાંથી દાહોદના મુમદ નરિયા વીરિયા મોહનિયા તથા દીપસંગ ઉર્ફે દીપો ગબલા તંબોળિયાને એક વાડીમાંથી ઝડપી પાડયા હતા.
આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ગબી ઉર્ફે ગોપાલ ઉર્ફે પોપટ વીરિયા ખીમલા મોહનિયા તથા બાબુ નારસિંગ વહુનિયા હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ આ બંને મુખ્ય શખ્સો હજુ હાથમાં આવ્યા નથી. આ ગેંગ જુદા-જુદા વિસ્તારોમાં વાડીઓમાં કે અન્ય જગ્યાએ રહેતી હતી અને બનાવને અંજામ આપવાનું હોય ત્યારે પોતાના મોબાઇલ ઘરે મૂકી આવતા અને સરકારી કે ખાનગી બસોમાં બેસીને પહેલા સામખિયાળી જેવા સેન્ટરમાં ઊતરતા હતા, ત્યાંથી ગેંગના સભ્યો જુદી-જુદી દિશાઓમાં નીકળી જતા હતા.
દિવસ દરમ્યાન જે-તે ઘર-વિસ્તારની રેકી કરી લેતા અને અવાવરૂ જગ્યાએ છુપાઇ રહેતા હતા. રાત્રે કપડાં ઉતારી શરીરે બાંધી લેતા અને બનિયાનની બુકાની બનાવી ચપલ, બૂટ હાથમાં લઇને ચોરીના બનાવોને અંજામ આપતા હતા. ચડ્ડી, બુકાનીધારી આ ગેંગ બનાવને અંજામ આપ્યા બાદ કપડાં પહેરી લઇ ત્યાંથી નાસી જતી હતી. પૂર્વ કચ્છમાં આ ટોળકી છેલ્લા બે-અઢી વર્ષથી હાથ મારીને નાસી જતી હતી. રાપર, ગાંધીધામના ગુરુકુળ, અંજારમાં લાગેલા જુદા-જુદા સીસીટીવી કેમેરામાં આ ચડ્ડી, બુકાનીધારી ગેંગ નજરે પડી હતી. આ ટોળકીએ રાપરમાં બે, ગાંધીધામ બી-ડિવિઝનમાં બે, એ-ડિવિઝનમાં ચાર અને આદિપુર-અંજારમાં એક-એક ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. પકડાયેલા બે શખ્સ પૈકી દીપસંગ વિરુદ્ધ અગાઉ વિદ્યાનગર, દેવગઢ બારિયા, નરોડા વગેરેમાં ચાર ગુના નોંધાયેલા છે. હાથમાં ન આવેલા સાળો-બનેવી એવા બાબુ સામે અડાલજ, સોલા હાઇકોર્ટ, સાણંદ, ઇન્ફોસિટી, બોપલ, કણભા વગેરે જગ્યાએ 10 ગુના નોંધાયેલા છે તેમજ ગબી ઉર્ફે ગોપાલ સામે ધાનપુર, બોપલ, ધોળકા, સાણંદ, અડાલજ, પેટલાદ, દાહોદ વગેરે જગ્યાએ 16 જેટલા ઘરફોડ ચોરીના ગુના છેલ્લા દસેક વર્ષમાં નોંધાયેલા છે. આ બધા વણ ઉકેલયા ગુનાની તપાસ કરવા માટે રાપર પોલીસ દ્વારા રાપર કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં બન્ને શખ્સો ને કોર્ટ દ્વારા સાત દિવસ ના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે આગામી ૧૪ તારીખ સુધી રિમાન્ડ પર હોવાનું રાપર પીઆઇ જે.બી.બુબડીયા તથા સેંકડ પીઆઇ એસ.વી.ચૌધરી એ જણાવ્યું કે હાથમાં આવેલા બંને શખ્સો ના મુખ્ય સૂત્રધારને પકડી પાડવા તથા ગેંગમાં અન્ય કોણ-કોણ છે તે સહિતની વિગતો માટે પકડાયેલા શખ્સોને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી , તેવું જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં એલસીબી તથા રાપર પોલીસ જોડાઇ હતી. પકડાયેલા શખ્સો પાસેથી રૂા. 1,25,350ની સોનાંની લગડી તથા બે મોબાઇલ જપ્ત કરાયા હતા. (તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર)
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
