<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

સાળંગપુરમાં શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મહારાજના ૧૭૭માં વાર્ષિક પાટોત્‍સવનો પ્રારંભ

પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની અધ્‍યક્ષતામાં વિવિધ કાર્યક્રમો : આજથી પૂ. હરીપ્રકાશદાસજી સ્‍વામીના વ્‍યાસાસને શ્રી હનુમંત ચરિત્ર કથાઃ પૂ.વિવેક સાગરદાસજી સ્‍વામીની આગેવાનીમાં ધર્મોત્‍સવ

રાજકોટ, તા., ૯ :  સૌરાષ્‍ટ્રના પ્રવેશદ્વાર સમા પરમ પાવન તીર્થરાજ શ્રી સાળંગપુરધામ કે જ્‍યાં ભગવાન શ્રી સ્‍વામિનારાયણે આ ધરાને પાવન કરી અનેક લીલાઓ કરી છે અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્‍વામીએ પોતાના પ્રોઢ પ્રતાપથી મહાસમર્થ શ્રીકષ્ટભંજનદેવની સ્‍થાપના કરી છે. આજે દાદાની કળપાથી લાખો દુઃખીયા જીવ સુખીયા થઈ આનંદિત જીવન જીવી રહ્યા છે. દેશ વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૈયાના હાર એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૭મો વાર્ષિક પાટોત્‍સવ આવી રહ્યો છે ત્‍યારે શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની અસીમ કળપાથી, વડતાલદેશ પિઠાધિપતિ પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં અને પ.પૂ. ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્‍વામી, પ.પૂ.સ.ગુ. પુરાણી શ્રી વિષ્‍ણુપ્રકાશદાસજી સ્‍વામીનાં આશીર્વાદથી અને પ.પૂ.સ.ગુ.શ્રી ચૈતન્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામી - લોજવાળાની સ્‍મળતિમાં શ્રી કષ્ટભંજનદેવનો ૧૭૭મો વાર્ષિક પાટોત્‍સવ આગામી સંવત્‌ ૨૦૮૧ ના આસો વદ-૫, તા. ૧૧-૧૦-૨૦૨૫, શનિવારના રોજ ઉજવાશે.

 પરમ પૂજ્‍ય સ્‍વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્‍વામી (અથાણાવાળા)ના વક્‍તાપદે ત્રિદિનાત્‍મક શ્રી હનુમંત ચરિત્ર કથાનું આયોજન તા. ૦૯-૧૦-૨૦૨૫, ગુરૂવાર થી તા. ૧૧-૧૦-૨૦૨૫, શનિવાર દરમિયાન  કથા સમય સવારે ૯.૦૦ થી ૧૧.૩૦ કલાકે, બપોરે ૪.૦૦ થી ૬.૩૦ કલાકે રાખવામાં આવેલ છે. તા.૯મીના ગુરૂવારે બપોરે ચાર વાગે નિલકંઠ મહાદેવ મંદિરથી પોથીયાત્રા નીકળશે. 

આ પ્રસંગે વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ વિશેષ ઉપસ્‍થિત રહેશે, તેમજ ધામેધામથી સંતો પણ પધારશે.

આ પ્રસંગે મંગળા આરતી સવારે ૫.૩૦ કલાકે, શણગાર આરતી સવારે ૭.૦૦ કલાકે, અભિષેક સવારે ૮.૦૦ કલાકે, અન્નકૂટ આરતી ૧૧.૦૦ કલાકે તેમજ યજ્ઞ પૂર્ણાહૂતી  બપોરે ૧ર.૦૦ એવં ત્રિદિનાત્‍મક શ્રી હનુમાન ચરિત્ર કથાની પૂર્ણાહૂતિ બપોરે ૧૧.૩૦ કલાકે રાખેલ છે.

આ પ્રસંગે પરમ પૂજ્‍ય મહારાજશ્રી સદગુરુ સંતોને વરદહસ્‍તે અભિષેક પાટોત્‍સવ તથા મારુતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધી સંપન્ન થશે તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન, અભિષેક, અન્નકૂટ,યજ્ઞદર્શન, કથાશ્રવણના દર્શન એવં બ્રહ્મ નિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ લેવા મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી, શાસ્ત્રી સ્‍વામી શ્રી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) તથા તમામ સંતમંડળ-પાર્ષદમંડળ તરફથી સૌ પ્રેમીભક્‍તોને પરિવાર સહિત પધારવા હાર્દિક આમંત્રણ છે. 

(11:32 AM IST)