<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

સૌરાષ્‍ટ્ર તરફ જતી ST બસો હાઊસફુલઃ ખાનગી બસની ટિકિટનો ભાવ આસમાને

અમદાવાદથી સૌરાષ્‍ટ્ર તરફ જતી ST (GSRTC)ની મોટા ભાગની બસ હાઉસફુલ થઈ ગઈ છેઃ ખાનગી બસ સંચાલકો ભારે ધસારાનો લાભ લઈને ભારે ભરખમ ટિકિટના રુપિયા વસૂલે છે

અમદાવાદ, તા.૧૦: દિવાળીના તહેવારો હવે નજીક છે અને ST બસમાં બુકિંગ ફુલ છે તેમજ વેઈટિંગ પણ લાંબુ જોવા મળી રહ્યું છે, ત્‍યારે હવે ખાનગી બસો પણ હાઉસફુલ થઈ રહી છે. તહેવાર મનાવવા પરિવાર સાથે લોકો વતન જઈ રહ્યા હોવાથી અમદાવાદથી સૌરાષ્‍ટ્ર જતી ખાનગી બસોમાં પણ બુકિંગ ફુલ થવા માંડ્‍યા છે.

ST નિગમે બસો વધારી પણ બુકિંગ ફુલ

દિવાળીની રજાઓની ગુજરાતીઓ આખુ વર્ષ રાહ જોતા હોય છે. તહેવારોમાં ફરવા ન જાય તો ગુજરાતી નહીં અને એટલે જ દિવાળીના તહેવારોને લઈ STઅને ખાનગી ટ્રાવેલ્‍સની બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાનગી બસોએ ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ STએ બસની સંખ્‍યા વધારી હોવા છતાં બસ ઓછી પડી રહી છે.

મુસાફરો વતન જવા

અધીરા બન્‍યા

સૌરાષ્‍ટ્ર તરફ જનારા મુસાફરોનો ધસારો વધી ગયો છે. જેમાં રાજકોટ, પોરબંદર, દ્વારકા, સોમનાથ, જામનગર અને જૂનાગઢ તરફ જતા મુસાફરોની સંખ્‍યામાં મોટો ઉછાળો આવ્‍યો છે. બસ સ્‍ટેશન પર મુસાફરોના ટોળા જોવા મળે છે. રિઝર્વેશન નહીં કરાવનાર મોં માગ્‍યા પૈસા આપીને વતન જવા અધીરા બન્‍યા છે.

ખાનગી બસોને જાણે

લોટરી લાગી

દિવાળી પર સામાન્‍ય દિવસો કરતા ખાનગી બસોના સંચાલકો અધધ રૂપિયા વધુ ભાડૂ વસૂલી રહ્યા હોવાનો પ્રવાસીઓનો આરોપ છે. સૌરાષ્‍ટ્ર તરફ જતી તમામ બસોમાં મુસાફરોનો હવે ટિકિટ મળવી મુશ્‍કેલ જ નહીં પણ નામુમકીન હોય તેવું લાગી રહ્યું છે. મુસાફરોના પણસારાને પગલે હવે આગામી દિવસોમાં ST  નિગમ હજુ પણ વધારાની એકસ્‍ટ્રા બસ દોડાવવાની જાહેરાત કરે તેવી સંભાવના છે.

ખાનગી બસો તકનો લાભ લઈ રહ્યા છે

STની બસો હાઊસફુલ થઈ જતાં મુસાફરોએ હવે નાછુટકે ખાનગી બસોનો સહારો લેવો પડી રહ્યો છે. પરંતુ ખાનગી બસોએ પણ આ તકનો લાભ લઈને ભાડામાં વધારો કરી દીધો છે. અમદાવાદ-રાજકોટની મહત્તમ બસનું ભાડું રુપિયા ૨૧૦૦ થઈ ગયું છે. અમદાવાદથી જૂનાગઢના ૧૭૦૦ તો દ્વારકા સુધીના ૨૦૦૦ તેમજ સોમનાથ સુધીના ૧૬૦૦ અને ભુજનું ૨૦૦૦ જેટલું ભાડું વસુલી રહ્યા છે.

(1:40 PM IST)